– રોહિત શર્માના ૨૦ બોલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૪૬* રન
– મેદાનમાં વરસાદી પાણી ભરાયું હોવાથી ૮-૮ ઓવરની મેચ શક્ય બની
અક્ષર પટેલે ૧૩ રનમાં બે વિકેટ ઝડપ્યા બાદ રોહિત શર્માએ ૨૦ બોલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે અણનમ ૪૬ રન ફટકારતાં ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટી-૨૦માં ચાર બોલ બાકી હતા, ત્યારે છ વિકેટથી હરાવ્યું હતુ. નાગપુરમાં વરસાદના કારણે મેદાન પર પાણી ભરાયા હોવાથી ટી-૨૦ ૮-૮ ઓવરની રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે આપેલા ૯૧ના ટાર્ગેટને ભારતે ૭.૨ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે ભારતે શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી હતી. હવે તારીખ ૨૫મી સપ્ટેમ્બર ને રવિવારે આખરી ટી-૨૦ રમાશે.
જીતવા માટેના ૯૧ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતે માત્ર ૧૭ બોલમાં ૩૯ રનની ભાગીદારી કરી હતી. રાહુલ ૧૦ રને ઝામ્પાનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ કોહલીએ ૧૧ રને અને સૂર્યકુમારે ૦ પર ઝામ્પાને વિકેટ આપી હતી. હાર્દિક પણ ૯ રને આઉટ થયો હતો. જોકે રોહિતે અણનમ ૪૬ રનની કેપ્ટન્સ ઈનિંગ રમી હતી.
જ્યારે દિનેશ કાર્તિકે બે બોલમાં સિક્સર અને ચોગ્ગા સાથે અણનમ ૧૦ રન કર્યા હતા. અગાઉ ટોસ જીતીને ભારતે પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગ્રીન પાંર રને રનઆઉટ થયો હતો. જ્યારે મેક્સવેલ ૦ અને ડેવિડ ૨ રને અક્ષર પટેલની બોલિંગમાં આઉટ થયા હતા. મેથ્યૂ વેડે ૨૦ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૪૩ રન ફટકાર્યા હતા. જ્યારે ફિન્ચે ૧૫ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૩૧ રન નોંધાવ્યા હતા. તેની વિકેટ બુમરાહે ઝડપી હતી. અક્ષરે ૧૩ રનમાં બે અને બુમરાહે ૨૩ રનમાં ૧ વિકેટ મેળવી હતી.
Leave a Reply