– સેબીએ આઈપીઓ માટે ૧૯ કંપનીઓને આપેલી એક વર્ષની મુદતની મંજૂરી આગામી બે મહિનામાં સમાપ્ત થશે
– ૪૬ કંપનીઓ નિયમનકારી મંજૂરીની રાહમાં
ભારતીય શેરબજારમાં છેલ્લા છ-આઠ મહિનાથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સેકન્ડરી માર્કેટની આ અણધારી ચાલની અસર પ્રાઈમરી માર્કેટ પર જોવા મળી શકે છે. ૧૯ કંપનીઓની IPO બહાર પાડવા માટે એક વર્ષની સેબી દ્વારા આપવામાં આવતી નિયમનકારી મંજૂરી આગામી બે મહિનામાં સમાપ્ત થવા જઈ રહી છે. બજાર અહેવાલ અનુસાર આમાંથી મોટા ભાગના આઈપીઓ નિર્ધારિત સમયમર્યાદામાં બજારમાં આવી શકે તેમ નથી. બેંકર્સે ખાનગી ધોરણે આપેલ આ માહિતી સાથે જણાવ્યું કે આ પ્રકારના આઈપીઓનું કદ રૂ. ૨૩,૦૦૦-૨૪,૦૦૦ કરોડની આસપાસ છે.
કંપનીઓ પાસે રેગ્યુલેટરી મંજૂરીઓ જવા દેવા અથવા તેમનો આઈપીઓ પરત ખેંચીને ફરી ફાઈલ કરવાનો વિકલ્પ છે. તાજેતરમાં જ જેમિની એડિબલ્સ એન્ડ ફેટ્સ ઈન્ડિયાએ રૂ. ૨૫૦૦ કરોડનો આઈપીઓ પરત ખેંચી લીધો હતો. આ સિવાય સ્ટીચ્ડ ટેક્સટાઈલ્સ અને એસએસબીએ ઈનોવેશન્સે ઓગસ્ટમાં તેમના ઓફર ડોક્યુમેન્ટ્સ પરત ખેંચ્યા હતા.
આ સિવાય ભારતની સૌથી મોટી ઓનલાઈન ફાર્મસી, ફાર્મઈઝીના માલિક એપીઆઈ હોલ્ડિંગ્સે ગયા મહિને બજારની સ્થિતિ અને વ્યૂહાત્મક બાબતોને ટાંકીને ભરણું પરત ખેંચ્યું હતુ. હવે તેઓ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
ઘણી મોટી કંપનીઓએ મે અને જુલાઈ વચ્ચે રોડ-શો કર્યા હતા અને રોકાણકારો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો હતો કારણ કે બજારોમાં ભારે ઉથલપાથલ હતી. બેંકર્સના જણાવ્યા અનુસાર બજારો હજુ પણ અસ્થિર છે. અમુક મજબૂત કંપનીઓ આગળ વધશે પરંતુ આઈપીઓને યોગ્ય પ્રતિસાદની આશા તેમને પણ નથી.
આ સિવાય કંપનીઓ હવે ભંડોળની તાત્કાલિક જરૂર હોય તો અન્ય વિકલ્પો તરફ પણ વિચારી રહી છે. ગયા અઠવાડિયે ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ દ્વારા રૂ. ૪૭૫ કરોડ ઊભા કર્યા હતા. ઓગસ્ટમાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે સંસ્થાકીય રોકાણકારો પાસેથી આશરે રૂ. ૨૦૦૦ કરોડ એકત્ર કર્યા હતા.
સેબી તરફથી લગભગ રૂ. ૧ લાખ કરોડના ઇશ્યુ સાથે ૬૭ કંપનીઓને નિયમનકારી મંજૂરી મળી ચૂકી છે. આ સિવાય અન્ય ૪૬ કંપનીઓ નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહી છે જે અંદાજે ૬૭,૦૦૦ કરોડ એકત્ર કરી શકે છે.
ચીનની રિયલ એસ્ટેટ કંપની ONEWO આ વર્ષનો સૌથી મોટો IPO લાવશે
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરની જ સર્વિસ કંપની એક મોટા આઈપીઓ થકી પૈસા એકત્ર કરવાની યોજના ધરાવી રહ્યું છે. ચીનની રિયલ એસ્ટેટ સેક્ટર સર્વિસ કંપની વનવો સ્પેસ-ટેક કંપનીએ ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ આઈપીઓની જાહેરાત કરી છે. ૨૨મી સપ્ટેમ્બરના રોજ શેરના ભાવ નક્કી થશે અને ૨૯મી સપ્ટેમ્બરના રોજ હોંગકોંગના બજારમાં તેનું લિસ્ટિંગ થશે.
Leave a Reply