– સરકારે દેશના વિચરતા 5 કરોડથી વધુ પશુપાલકો માટે લાગુ કરી યોજના
– સહજીવન સહિતની સંસ્થાઓની રજૂઆતના અંતે મળી સફળતા
સરકારે કચ્છ સહિત દેશના 5 કરોડથી વધુ વિચરતા માલધારી પરિવારોને વિવિધ સહાય યોજનાઅોનો લાભ અાપવા માટેનો અાદેશ કર્યો છે. આઝાદીના 75 વર્ષના ઇતિહાસમાં દેશના વિવિધ રાજ્યોમાં પોતાની પશુ ઓલાદો સાથે વિચરતું જીવન જીવતા અાશરે 5 કરોડથી પણ વધુ માલધારી પરિવારો દેશની વિકાસની યોજનાઓથી અલિપ્ત હતા.
દેશની કૃષિ અને પશુપાલન વિકાસની તમામ યોજનાઓ ફકત ખેડૂતો અને સ્થાયી પશુપાલન કરતા લોકોને લાભ મળતો હતો, પરંતુ વિચરતું જીવન જીવતા માલધારીઓ માટે કોઇપણ યોજના બનાવવામાં આવી ન હતી કે કોઈ પણ યોજનામાં પાસ્ટોરાલીસ્ટ (માલધારી) નામનો કોઇ ઉલ્લેખજ ન હતો. દેશના માલધારીઓ સાથે કામ કરતી કચ્છની સહજીવન સેન્ટર ફોર પાસ્ટોરાલીઝમ સહિત વિવિધ સંસ્થા દ્વારા છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર સરકાર સાથે સતત વાટાઘાટો, પરામર્શ અને હિમાયતના અંતે સરકાર દ્વારા કૃષિ અને પશુપાલનની વિવિધ સહાય યોજનાઅોનો લાભ વિચરતા માલધારીઅોને મળે તે માટેનો અાદેશ કર્યો છે.
3 ઓગષ્ટના ભારત સરકારના મત્સ્યપાલન, ડેરી અને પશુપાલન મંત્રાલય દ્વારા આ અંગેનો ખાસ આદેશ બહાર પાડ્યો છે, ધુમંતુ માલધારીઓ કે, તેમના બ્રિડર્સ એસોસીએશન, સહકારી મંડળીઓ વગેરેને તેમની ક્ષમતા વર્ધન, તાલીમ, એકસપોઝર માટે કેન્દ્ર સરકાર નાણાકીય સહયોગ અાપશે. ઘૂમંતુ માલધારીઓના પશુઓ હવે કેન્દ્ર સરકાર, રાજય સરકારના સહયોગથી પશુઓનો વીમો લઇ શકશે. પશુઓના ઘાસચારા, પશુ આહાર માટે ખાસ ઇનોવેટીવ કાર્યકમો શરૂ કરવા કેન્દ્ર સરકાર 100 ટકા નાણાકીય સહયોગ અાપશે.
નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ ઘેટાં-બકરા, મરઘા જેવા પશુઓ માટે પશુ સંવર્ધન કેન્દ્ર સ્થાપવા 50 ટકા નાણાકીય સહયોગ અપાશે. રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમો, સાહિત્ય, પશુ મેળાઓ, દૂધ અને પશુ હરીફાઇઓ, વર્કશોપ, સેમિનાર યોજવા માટે કેન્દ્ર સરકારના 100 ટકા નાણાકીય સહયોગ માલધારીઓને આપવાની જોગવાઇ કરાઇ છે. વિચરતા માલધારીઓના પશુઅોને મોબાઈલ વાહનથી પશુ સારવાર, પશુ સર્જરીની સુવિધા અપાશે. અા માટે સાંસદ વિનોદ ચાવડાઅે પણ પ્રયાસો કર્યા હોવાનું સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેટર રમેશ ભટ્ટીઅે જણાવ્યું હતું.
અાજથી વિચરતા માલધારીઅોને અપાશે ક્રેડિટ કાર્ડ
સરકારે કરેલા અાદેશ મુજબ સહાય યોજનાની સાથે હવે વિચરતા માલધારીઅોને ક્રેડિટ કાર્ડ અપાશે. જેના થકી તેઅો ધીરાણ મેળવી શકશે. આ માટે 15મી સપ્ટેમ્બર-22થી કિસાન ક્રેડીટ કાર્ડ માટેની લીડ બેન્કો દ્વારા દેશ વ્યાપી કેમ્પ અને શિબિરો યોજાશે.
Leave a Reply