– રણોત્સવ પૂર્વે 100 – 100 ની બેચ પૂર્ણ કરી યુવાઓને રોજગારી મળે તે માટેનો પ્રયાસ
– 15 દિવસના કોર્ષમાં જોડાયા બાદ યુનિવર્સિટીમાં જોબ પ્લેસમેન્ટ : ઉમેદવારોને ફિલ્ડની તાલીમ અપાશે
પ્રવાસનની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો દેશભરમાં જાણીતો છે,રણોત્સવની સાથે હવે અહીં સ્મૃતિવન મેમોરીયલ તેમજ ધોળાવીરા, ફ્લેમિંગો સીટી સહિતના સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે ત્યારે પ્રવાસન ક્ષેત્રમાં રોજગારીની તકો ઉભી થાય તેવા આશય સાથે યુનિવર્સિટી દ્વારા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે જે નિઃશુલ્ક રહેશે તેમજ ઉમેદવારોને તેમાં રોજગારીની તક પણ મળવા પામશે. કચ્છ પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે.અહીં પ્રવાસનના નવા સ્થળો ઉભરી આવવાની, ડેવલપમેન્ટની સાથે સ્થાનિક લોકો માટે વ્યવસાયિક સ્તરના નિર્માણ થવાની સંભાવના રહેલી છે.
ત્યારે કુલપતિ પ્રો. જયરાજસિંહ જાડેજા અને કુલસચિવ ડો.ઘનશ્યામ બુટાણીના માર્ગદર્શન હેઠળ પ્રવાસન ક્ષેત્રમાં રસ ધરાવતા લોકોને તાલીમ મળી રહે તથા પ્રવાસન ક્ષેત્રને વ્યવસાયિક સ્તર સુધી વિકસાવી શકાય તે હેતુથી ગુજરાત ટુરિઝમ સાથે જોડાઈને વિવિધ તાલીમ વર્ગોનું આયોજન થશે.વિવિધ કોર્ષો માટે ગુજરાત ટુરિઝમ તરફથી 1 કરોડ જેટલી માતબર આર્થિક સહાય યુનિવર્સિટીને આપવામાં આવી છે.જેથી આ કોર્ષ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેલના કોર્ડીનેટર પ્રો.અજય રાઠોડે જણાવ્યું કે,ગત વર્ષે 50-50 વિદ્યાથીઓની બેચ રાખવામાં આવી હતી.આ વખતે 100-100 વિદ્યાર્થીઓની 2 બેચ રખાશે.ઓક્ટોબર મહિનાથી કોર્ષ શરૂ થશે જેના ફોર્મ ભરવા સહિતની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવસે.તાલીમ દરમ્યાન ફિલ્ડની માહિતી અને નિષ્ણાત તજજ્ઞો માહિતી આપવાના છે.15 દિવસના કોર્ષની સમાપ્તિ બાદ યુનિવર્સિટી ખાતે જોબ પ્લેસમેન્ટ પણ યોજવામાં આવશે.
1)ટ્રાવેલ કન્સલ્ટન્ટ : ટ્રાવેલ માટેની ઇન્ક્વાયરી, પ્રવાસી સાથે વાતચીતની કળા,પ્લાનિંગ અને વ્યક્તિત્વ વિકાસના કૌશલ્યો વિશે આ કોર્ષમાં ઉમેદવારોને માહિતી આપવામાં આવશે.
2)મીટ એન્ડ ગ્રીટ ઓફિસર : મહેમાનગતિ,ગ્રાહકસેવા, ટ્રાવેલ તથા રોકાણ દરમિયાન અપાતી સેવા થકી સંસ્થાની છાપ ઉત્તમ રીતે ઉભરી આવે તે અંગેની તાલીમ અને વ્યક્તિત્વ વિકાસના કૌશલ્યો
3)ફ્રન્ટ ડેસ્ક ઓફિસર : પ્રવાસીના પુછપરછ તથા ફીડબેક માટે મદદ કરવી તથા પ્રવાસીને ધ્યાનમાં રાખી વિભિન્ન રીતે વર્તણુક દર્શાવવી,ડોક્યુમેન્ટેશન કરવાની પધ્ધતિને આવરી લેવાશે.
4)ટ્રાવેલ ગાઈડ : પ્રવાસન સ્થળોના ઈતિહાસ, વિશિષ્ટતા ને આવરી લેતી ઊંડાણપૂર્વક માહિતી, સરકારના પ્રવાસન માટેના નિયમો, પ્રવાસીઓ માહિતી સભર બને તે માટે યોગ્ય ચર્ચા કરવાની પધ્ધતિ, સ્થાનિકે વાત કરવાની ફિલોશોફી, સોફ્ટ સ્કીલ્સ વિગેરે પાસા શીખવવામાં આવશે.
Leave a Reply