– કોરોના દરમ્યાન અને પછી રોગપ્રતિકારક શક્તિ વધારવા ભારતીય મસાલાનો મહત્વનો ફાળો
– “ન્યુટ્રિશન સપ્તાહ” સપ્ટેમ્બર પ્રથમ વીક
પોષણક્ષમ આહાર એ સ્વસ્થ સમાજ અને સ્વસ્થ દેશનો આધાર હોવાથી આ મંત્રને સાકાર કરવા સપ્ટે. ના પ્રથમ વીકમાં ન્યુટ્રિશન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના ડાયેટ વિભાગે વર્ષ ૨૦૨૨ ના થીમ “ સેલિબ્રેટ એ વર્લ્ડ ઓફ ફ્લેવર” ને ધ્યાનમાં રાખી ભારતીય મસાલામાં રોગપ્રતિકારક ક્ષમતા વધુ હોવાથી એ વિષય અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જી. કે. જનરલ હોસ્પિટલના ડાયેટિશિયન અનિલાબેન પરમાર અને પૃથ્વીબેન લખલાનીએ વીકના પ્રથમ ચરણમાં ઉજવાયેલા કાર્યક્રમ અંગે કહ્યું કે આ હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓને મસાલાની ઓળખ, તેનું મહત્વ અને તેની ઉપયોગિતા વિષે ખાસ જ્ઞાનવર્ધક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, કોરોના પછી અને કોરોના દરમ્યાન પણ ભારતીય મસાલાનું સેવન અને મહત્વ વધ્યું છે કેમ કે તેની રોગપ્રતિકારક ક્ષમતા સવિશેષ છે.
સંતુલિત ખોરાક જ જીવનને સ્વસ્થ અને આરોગ્યપ્રદ બનાવવા જરૂરી હોવાથી રોજના ભોજનમાં આવશ્યક પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, પાણી, ખનીજ તત્વો તેમજ કસરત, યોગા વગેરે સામેલ કરવા ઉપરાંત બિન આરોગ્યપ્રદ પ્રોસેસ્ડ અને જંક ફૂડ લેવાનું ટાળવા જણાવ્યુ હતું. હોસ્પિટલમાં આવતા દર્દીઓનું કાઉન્સેલિંગ કરી મસાલાનું ખોરાકમાં મહત્વ સમજાવવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અત્રે નોંધવું જોઈએ કે અમેરિકન ડાયેટિશિયન એસો. દ્વારા ૧૯૭૫ થી અને ભારતમાં ૧૯૮૨ થી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણી માટે મેડી. ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઈ અને ચીફ મેડી. સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીનું માર્ગદર્શન મળ્યું હતું.
Leave a Reply