– થોડા સમય પહેલાં જ ફરી વખત જેટી માટેનું બિડ ફગાવાયું હતું
કંડલાના દીનદયાળ પોર્ટ પાસે વિશાળ વોટરફ્રંટ અને મોટી માત્રામાં બેકપ લેન્ડ હોવા છતાં આ પોર્ટનો વિકાસ પોર્ટ ટ્રસ્ટના આયોજન અને કંગાળ વહીવટના કારણે થઈ શક્યો નથી, જેથી વોટર ફ્રન્ટની અંદાજે 350 કરોડની આવકનું નુકસાન થયું હોવાનું કચ્છના શિપિંગ લાઇસન્સ ધરાવતા વેપારીઓનું કહેવું છે. એક જેટીના બિડનું કવર ત્રણ વર્ષ પછી પણ અકબંધ હોવાની ચર્ચા પણ ચાલી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બે વર્ષ પહેલા જૂન 2020માં પ્રથમ રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન (RFQ) માટે દરખાસ્ત મગાવવામાં આવી હતી. જેમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલથી 14 નંબરની જેટીને ડેવલપ કરવા વિવિધ કંપનીઓને આમંત્રણ આપવામા આવ્યું હતું. જેના અનુસંધાને અદાણી પોર્ટ્સ સહિત અન્ય પોર્ટ કંપનીઓએ લીલામીમાં ક્વોલિફાય થવા ભાગ લીધો હતો. જોકે ત્યારબાદ જેટીના વિકાસ માટે પોર્ટ ટ્રસ્ટે આ સંબંધે કોઈ કામગીરી કરી નહોતી તેમજ ડેવલપર્સ ને કોઈ જવાબ આપવાની પણ તસ્દી લીધી નહોંતી. જુલાઈ 2021માં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે 2020ના RFQ થી સાવ અલગ જ RFQ જાહેર કર્યા હતા.
જેની દરખાસ્ત મોકલવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર, 2021 હતી. આ લીલામીમાં શિપિંગ ક્ષેત્રની જે.એમ.બક્ષી, આરવીઆર પ્રોજેક્ટ્સ, બોથરા શિપિંગ એન્ડ શરથ ચેટર્જી અને અદાણી પોર્ટ્સ એન્ડ એસ.ઈ.ઝેડ. કંપનીએ ભાગ લીધો હતો.m આ મામલે અદાણી પોર્ટ કંપનીને 24 સપ્ટેમ્બર, 2021ના રોજ આર.એફ.પી. ની પ્રક્રિયામાં સામેલ થવા ગેરલાયક ઠરાવવામાં આવી હતી, પરંતુ કોર્ટના આદેશ બાદ અદાણી પોર્ટ અને સેઝને લીલામીમાં સમાવેશ કરાયો હતો. અદાણી પોર્ટે 6 જુલાઈ, 2022ના રોજ બિડ સુપરત કરી હતી.
આરએફપી રજૂ કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી હોવા છતા અગમ્ય કારણોસર તે સતત 17 ઓગસ્ટ સુધી લંબાવી હતી. વારંવાર મુદત લંબાવવા છતા ત્રણ કંપનીઓ પૈકી માત્ર અદાણી કંપની આગળ આવી હતી તેમ સૂત્રો કહે છે. સૂત્રો કહે છે કે, કોઈ પણ લીલામીમાં કોઈ હરીફ ના હોય તો દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ સિંગલ બિડથી કંપનીને કામ આપી શકે છે અને તેવું ભૂતકાળમાં બન્યું પણ છે. વર્ષ 2015-16માં પોર્ટ ટ્રસ્ટે 11 અને 12મી કન્ટેનર બર્થનો પ્રોજેક્ટ એ વખતના સિંગલ બિડર જે.એમ. બક્ષી કંપનીને આવકના લગભગ 10.4 ટકાની ભાગીદારી સાથે કામની ફાળવણી કરી હતી.
એક વધુ કિસ્સામાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે બિરાના સિંગલ પોઈન્ટ મૂરીંગ (એસપીએમ) પ્રોજેક્ટમાં આવકનો 10 ટકાથી પણ વધુ હિસ્સો આપવા એક કંપનીએ ક્વોટ કર્યો હતો અને તેને ફાળવવા પ્રયાસ કરાયો હોવાનું માનવામાં આવે છે, છતાં આ વખતે 14 નંબરની જેટીના વિકાસ માટે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કેમ આગળ આવતી નથી. દીનદયાળ પોર્ટમાં 14 નંબરની કન્ટેનર જેટીની બિડિંગ પ્રક્રિયામાં કોર્ટના આદેશથી સામેલ થનાર કંપનીને આ પ્રોજેક્ટ ફાળવવાનો પોર્ટ ટ્રસ્ટ પાસે વિકલ્પ હોવા છતાં તેણે બિડ ફગાવાયું છે.
Leave a Reply