– ઓગસ્ટમાં રૂ.10.83 લાખ કરોડ ઓનલાઇન મોકલાયા
ભારતમાં ઓનલાઇન પેમેન્ટ સતત વધી રહ્યુ છે અને ઓગસ્ટમાં ઓનલાઇન પેમેન્ટની વેલ્યૂ અને વોલ્યૂમની દ્રષ્ટિએ નવો વિક્રમ સ્થપાયો છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) મારફતે ઑગસ્ટમાં 6.57 અબજ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 10.73 લાખ કરોડની ઓનલાઇન લેવડદેવડ કરવામાં આવી છે.
માસિક તુલનાએ ઓગસ્ટમાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શનની રકમ 0.95 ટકા અને સંખ્યા 4.62 ટકા વધ્યા છે. તો વાર્ષિક સરખામણીએ યુપીઆઇ ટ્રાન્ઝેક્શનનું વોલ્યુમ 85 ટકા અને વેલ્યૂ 67.85 ટકા વધ્યું છે.
નોંધનીય છે કે, વર્ષ 2016માં યુપીઆઇની શરૂઆત થયા બાદ જુલાઇ મહિનામાં પહેલીવાર યુપીઆઇ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 6 અબજને કુદાવી ગઇ હતી.
કેલેન્ડર વર્ષ 2022માં યુપીઆઇ થકી 45 અબજ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 77.94 લાખ કરોડની લેવડદેવડ કરવામાં આવી છે. તો ચાલુ નાણાંકીય વર્ષ 2023 દરમિયાન ઓગસ્ટ સુધીમાં 30 અબજ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન થયા છે જેમાં રૂ. 51.74 લાખ કરોડનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાયુ છે. જે સમગ્ર ગત નાણાંકીય વર્ષના કુલ યુપીઆઇ ટ્રાન્ઝેક્શનના લગભગ 65 ટકા છે અને નાણાંકીય વર્ષ 2021ની તુલનાએ લગભગ 1.35 ગણા વધારે છે.
નાણાંકીય વર્ષ 2022 દરમિયાન 46 અબજ યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 84.17 લાખ કરોડ અને નાણાંકીય વર્ષ 2021માં 22.28 અબજ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 41.03 લાખ કરોડની ઓનલાઇન લેવડદેવડ કરવામાં આવી હતી. આમ વાર્ષિક તુલનાએ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં મૂલ્ય અને સંખ્યાની દ્રષ્ટિએ બમણી વૃદ્ધિ થઇ છે, જે દેશમાં ડિજિટલ પેમેન્ટ્સ ખાસ કરીને યુપીઆઇની વ્યાપક સ્વીકાર્યતા દર્શાવે છે. ઓનલાઇન પેમેન્ટમાં હાલની વૃદ્ધિને જોતા આગામી 3થી પાંચ વર્ષમાં દરરોજ એક અબજ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
Leave a Reply