– તેજસ્વી તારલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે કચ્છનો ડંકો વગાડ્યો
– વિવિધ વિષયોમાં ચંદ્રકો હાંસલ કરતા વિદ્યાર્થીઓની અસામાન્ય બુદ્ધિ-પ્રતિભા ઉજાગર
અદાણી પબ્લીક સ્કૂલના તેજસ્વી તારલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સ્પર્ધામાં વિવિધ ક્ષેત્રોમાં ચંદ્રકો પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓએ નામ રોશન કર્યું છે. વર્ષ 2021-22માં આશરે 400 વિદ્યાર્થીઓએ શાળા તરફથી અલગ-અલગ વિષયો/વિભાગોમાં નોંધણી કરાવી અને ઓનલાઇન પરીક્ષાઓ આપી હતી. જેમાં 17 વિદ્યાર્થીઓએ ઝોનલ કક્ષાએ તેમજ 2 વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રકો પ્રાપ્ત કરી શાળાના ગૌરવ વધાર્યું છે.
વિજેતાઓની વિગતવાર વાત કરીએ તો, અદાણી પબ્લીક સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતી કાવ્યાબા જાડેજાએ કુલ 5 ચંદ્રકો હાંસલ કર્યા છે. જેમાં ઇન્ટરનેશનલ સોશિયલ સ્ટડીઝ ઓલિમ્પિયાડ (ISSO)માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ, ઝોનલ કક્ષાએ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ ઓલિમ્પિયાડ (IEO) માં ચોથા ક્રમે, નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડ (NSO) માં છઠ્ઠા ક્રમે, આંતરરાષ્ટ્રીય મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ (IMO) માં બાવીસમાં ક્રમે તેમજ ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલિમ્પિયાડ (IGKO) માં ચોવીસમાં ક્રમે આવી મેદાન માર્યુ છે.
ધોરણ 9ની વિદ્યાર્થિની ઈફ્ફાહ છત્તાણીએ ISSOમાં તૃતીય ક્રમ હાંસલ કરી શાળાને કાંસ્યચંદ્રક તેમજ (IEO) માં ઝોનલ સ્તરે 11મું સ્થાન પ્રાપ્ત કરી કુલ બે ચંદ્રકો હાંસલ કર્યા છે. વિવિધ વિષયોનો ઊંડો અભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરવી તે વિદ્યાર્થીઓની અસામાન્ય બુદ્ધિપ્રતિભાના દર્શન કરાવે છે. શિક્ષકગણ તેમજ અને મેનેજમેન્ટે ચંદ્રક વિજેતાઓ અને તેમના માતાપિતાને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી સ્પર્ધાત્મક પરિક્ષામાં બહુવિધ ક્ષમતાઓના આધારે પ્રતિભાશાળી સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવે છે. વિજેતાઓને રોકડ ઈનામો, ચંદ્રકો, ટ્રોફી, ભેટ પ્રમાણપત્રો અને મેરીટથી નવાજવામાં આવે છે. દર વર્ષે ધોરણ 1 થી 12ના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ પોતાની પ્રતિભા ઉજાગર કરે છે.
અદાણી પબ્લિક સ્કૂલ પ્રત્યેક બાળકમાં રહેલી અસામાન્ય પ્રતિભાને બહાર લાવી ઉજાગર કરવા પ્રયાસરત છે. આ મિશનને સાકાર કરવા બાળકોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાન સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન (SOF) દેશ-વિદેશમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, સામાન્ય જ્ઞાન, કમ્પ્યુટર અને અંગ્રેજી ભાષામાં કૌશલ્યવર્ધનને પ્રોત્સાહિત કરવામાં કાર્યરત છે.
Leave a Reply