વિદેશી રોકાણકારો ભારતના ઇક્વિટી માર્કેટમાં સતત બીજા મહિને ચોખ્ખા લેવાલ રહેવાની સાથે સાથે બોન્ડ માર્કેટમાં છેલ્લા સાત મહિના જેટલા લાંબા સમય સુધી નેટ સેલર રહ્યા બાદ ઓગસ્ટ મહિનામાં ચોખ્ખી ખરીદી કરી છે. એફઆઇઆઇ એ ભારતના બોન્ડ માર્કેટમાં ઓગસ્ટમાં રૂ. 624 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યુ છે જે જાન્યુઆરી બાદ પહેલો નેટ ઇનફ્લો છે.
ફોરેન ઇન્સિટ્યૂશનલ ઇન્વેસ્ટર (એફઆઇઆઇ) એ ભારતના બોન્ડ માર્કેટમાં છેલ્લે જાન્યુઆરીમાં રૂ. 652 કરોડની ચોખ્ખી લેવાલી હતી જ્યારે તે ફેબ્રુઆરીથી જુલાઇ સુધી ચોખ્ખા વેચવાલ રહ્યા હતા.
બજાર નિષ્ણાંતોનું કહેવુ છે, મોંઘવારીને ડામવા માટે યુએસ ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા વ્યાજદરમાં હજી આક્રમક વૃદ્ધિને સંકેત વચ્ચે બોન્ડ માર્કેટની યીલ્ડ મજબૂત થઇ રહી છે. જેરોમ પોવેલેની ટિપ્પણીથી ભારતની 10 વર્ષીય બોન્ડની યીલ્ડ વધી હતી તો બીજી બાજુ ડોલર સામે રૂપિયો સોમવારે ગગડીને નવી નીચી સપાટીને સ્પર્શ્યો હતો. એક પરિબળ જે વિદેશી રોકાણકારોને પ્રભાવિત કરી શકે છે તે છે રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વધારો, જે ફેડ રિઝર્વ કરતા ઓછો હોઈ શકે છે.
અર્થશાસ્ત્રીઓના મતે રિઝર્વ બેન્કનો આગામી રેટ-હાઇક એ અગાઉના બે અડધા ટકાની વ્યાજદર વૃદ્ધિ કરતા ઓછો હોય શકે છે. આનો અર્થ એ છે કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાજદરનો તફાવત સંકોચાઇ થઈ શકે છે.
ઉપરાંત વિદેશી રોકાણકારોનું સેન્ટિમેન્ટમાં આ પરિવર્તન પાછળનું કારણ કોમોડિટીના વૈશ્વિક ભાવમાં કરેક્શન છે, ખાસ કરીને એનર્જી સેગમેન્ટના ભાવમાં નરમાઇથી ફુગાવો ઘટશે તેવી આશા પ્રબળ બની છે, જે મધ્યસ્થ બેંકોને વ્યાજદર વૃદ્ધિ મામલે ઓછું આક્રમક વલણ અપનાવવા દબાણ કરી શકે છે. આવા પરિબળો ભારતના બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોનું આકર્ષણ જાળવી રાખવામાં મદદ કરી શકે છે.
ઇક્વિટી માર્કેટ સતત બીજા મહિને ખરીદી, ઓગસ્ટમાં રૂ. 51,000 કરોડ ઠાલવ્યા
વિદેશી રોકાણકારોએ ઓગસ્ટ મહિનામાં ભારતના ઇક્વિટી માર્કેટમાં રૂ. 51,000 કરોડનું ચોખ્ખું મૂડીરોકાણ કર્યુ છે જે સતત બીજા મહિને નેટ ઇનફ્લો દર્શાવે છે. અગાઉ ઓક્ટોબર 2021થી જૂન 2022 સુધી સતત નવ મહિનામાં એફઆઇઆઇએ રૂ. 2.58 લાખ કરોડથી વધારે ચોખ્ખી વેચવાલી રહી હતી. ત્યારબાદ ગત જુલાઇમાં તેમણે રૂ. 4988.79 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. ઓગસ્ટ મહિનામાં ભારતીય શેરબજારમાં 3.5 ટકાથી વધારે સુધારો નોંધાયો છે.
Leave a Reply