– પોલીસની નારાજગી દુર કરવા રાતોરાત પરિપત્ર કરાયો
– આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવતા સરકાર સફાળી જાગી
પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગણીને લઇને અનેક આંદોલન કરવામાં આવ્યા હતા.જેના પગલે બનાવવામાં આવેલી ખાસ સમિતિએ કરેલી ભલામણ મુજબ ગ્રેડ પેના બદલે પબ્લીક સિક્યોરીટી ઇન્સ્વેટીવ એટલે જાહેર સુરક્ષા પ્રોત્સાહનના નામે એલઆરડીથી માંડીને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટર દરજ્જાના પોલીસ કર્મચારીને રૂપિયા ૩૫૦૦થી લઇ ૫૦૦૦ રૂપિયાનો માસિક વઘારો આપવાનો નિર્ણય કરાયો છે. જે અંગે ગૃહ વિભાગમાં સોમવારે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવતા સરકાર સફાળી જાગી હતી અને રાતોરાત આ મહિનાથી જ અમલ કરવા જાહેરાત કરી હતી. જેના પગલે પ્રધાનમંત્રીએ ગાંધીનગરની મુલાકાત દરમિયાન ગ્રેડ પેનો મામલો ઠારવા માટે સુચના આપતા પરિપત્ર કરાયો હતો. ગુજરાત પોલીસના લોક રક્ષક દળથી માંડીને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીના દરજ્જાના પોલીસ કર્મચારીઓ દ્વારા છેલ્લાં બે વર્ષથી ગ્રેડ પે મામલે મોટાપાયે માંગણી સાથે આંદોલન પણ કરવામાં આવ્યા હતા. જો કે રાજ્ય સરકારે વિવિધ પ્રકારના દબાણ લાવીને શરૂઆતમાં આંદોલનને નબળુ પાડવાની કોશિષ કરી હતી.
સાથે સાથે બીજી તરફ ગ્રેડ પે મામલે વિચારણા કરવા માટે એક વિશેષ સમિતીની રચના કરવામાં આવી હતી. જેમને પોલીસ કર્મચારીઓની માંગણી અંગે વિવિધ પાસાઓને ધ્યાનમાં લઇને હકારાત્મક રસ્તો કાઢવા માટે સુચના આપવામાં આવી હતી. જે બાદ સમિતીએ પોલીસની ખાસ ભથ્થાની માંગણી સહિતની અનેક બાબતોને ચર્ચા કર્યા બાદ ફિક્સ પે ધરાવતા એલઆરડી થી લઇને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટરને જાહેર સુરક્ષા પ્રોત્સાહન હેઠળ પ્રતિમાસ વિશેષ રકમ આપવા સુચન કર્યુ હતું. જેને ગૃહ વિભાગે માન્ય રાખીને સોમવારે સત્તાવાર રીતે ઠરાવ પસાર કરીને અમલમાં મુકવાની જાહેરાત કરી હતી.
જે અનુસંધાનમાં ફીક્સ પે ધરાવતા એલઆરડીને રૂપિયા ૩૫૦૦, પોલીસ કાન્સ્ટેબલને રૂપિયા ૪૦૦૦ , હેડ કોન્સ્ટેબલને રૂપિયા ૪૫૦૦ અને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટરને રૂપિયા ૫૦૦૦ પ્રતિમાસનો વધારો આપવામાં આવશે. જે ઓગસ્ટ મહિનાથી અમલી બનશે. આમ હવે લાંબા સમયથી ચાલતા ગ્રેડ પેને મામલે અંતે પોલીસ કર્મચારીઓને ઘણી રાહત મળશે. સરકારે આ પરિપત્રનો અમલ થોડા મહિના બાદ કરવાની વિચારણામાં હતી. પરંતુ, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલુ મહિના જ અમલ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી.
Leave a Reply