– શાળાના ભૌતિક અને માનવીય સંસાધનોની માહિતી તાલીમાર્થીઓએ મેળવી
– રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી
શિક્ષણએ વિશાળ દરીયા સમાન છે. શિક્ષણમાં જેટલું શીખીએ તેટલું ઓછું પડે છે. શિક્ષણમાં આદાન પ્રદાનની પ્રક્રિયાથી ઘણું બધું શીખી શકાય છે અને જાણી શકાય છે. એ અન્વયે મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી.એડ. કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તાલીમાર્થીઓએ રતાડીયાની સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલયની મુલાકાત લીધી હતી.
બી. એડ. કોલેજના આચાર્ય ડો. લાલજીભાઈ ફફલ તથા કોલેજના તમામ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થી શાળામાં પહોંચતા જ શાળાના આચાર્ય અશ્વિનભાઈ પરમારે ભવિષ્યના શિક્ષકોને ઉષ્માભેર આવકારીને શાળાના ભૌતિક અને માનવીય સંસાધનો અંગે માહિતગાર કર્યા હતા.
તાલીમાર્થીઓને અધ્યયન, અધ્યાપન પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓ સમજાવી બાળક સાથે બાળક બનીને શિક્ષણકાર્ય કરાવવું જોઈએ તથા પાઠ કે એકમ સમજાવતી વખતે વિષયવસ્તુ, વિષય નિરુપણ વ્યવસ્થિત સમજાવવું જોઈએ. વિષય પ્રવેશ, વિષયની સમજ શૈક્ષણિક સાધનોની મદદથી આપવી જોઈએ. ટી.એલ.એમ.નો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર દ્રઢીકરણ, પુનરાવર્તન, સ્વાધ્યાય કાર્ય, નિદાન, ઉપચાર કરી વિદ્યાર્થીઓને કઠિન લાગતા મુદ્દાઓની સમજ વિકસાવવી જોઈએ વિગેરે બાબતોની સમજ શાળાના શિક્ષક જીગ્નેશભાઈ ભાડજા, ચંદુલાલ ગોહેલ તથા જાગૃતિબેન રાયચુરાએ આપી હતી. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતી દિવસે બાળકોને રમતો રમાડી રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બી. એડ.ના અભ્યાસક્રમ અંતર્ગત સૈદ્ધાંતિક કાર્યોની સાથે કેટલુંક પ્રાયોગિક કાર્ય પણ કરવાનું હોય છે જેમાં સહકાર આપવા બદલ સંજીવની હાઈસ્કૂલના સ્ટાફ પ્રત્યે બી.એડ. કોલેજની તાલીમાર્થી તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર તથા ચાંદનીબેન સુરેશગર ગુંસાઈએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Leave a Reply