એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર 28 ઓગસ્ટે છે. બંને ટીમ જીત માટે તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયા કયા પ્લેઇંગ ઈલેવનની સાથે મેદાનમાં ઉતરશે. ભારત પાસે શ્રેષ્ઠ ખેલાડીઓ છે પરંતુ સત્ય એ પણ છે કે તક માત્ર 11ને જ મળવાની છે. કેપ્ટન રોહિત શર્મા કયા ખેલાડીઓને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન આપશે? શુ હશે ટીમ ઈન્ડિયાનુ વિનિંગ ટીમ કોમ્બિનેશન?
ભારતનો બેટિંગ એટેક શુ હશે?
ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્મા હશે. આ બંને ખેલાડીઓનો રેકોર્ડ કમાલ છે અને પાકિસ્તાન સામે મેચમાં આ ચેમ્પિયન જોડી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરશે. આ સિવાય સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલીનુ પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નક્કી છે.
જાણીએ એશિયા કપમાં કઈ પાંચ ખેલાડીઓની ટક્કર માટે ફેન્સ ઉત્સાહિત છે…
1. વિરાટ કોહલી Vs હસરંગા
કોહલીને એવા સ્પિનર વિરુદ્ધ રમતા જોવું રસપ્રદ છે, જે તેનાથી બોલ દૂર લઈ જઈ શકે. શ્રીલંકાનો લેગ સ્પિનર હસરંગા આવો જ બોલર છે. IPL 2022માં હસરંગાએ બેંગલુરુ તરફથી રમતા સૌથી વધુ વિકેટ ઝડપી હતી. એવામાં નેટ્સમાં વિરાટ સામે બોલિંગનો અનુભવ હસરંગા માટે લાભદાયી રહી શકે છે. આંતરરાષ્ટ્રીય ટી-20ની વાત કરીએ તો હસરંગાએ કોહલી સામે માત્ર 6 બોલ ફેંકી છે. જેમાં કોહલીએ 4 રન કર્યા છે અને વિકેટ ગુમાવી નથી.
2. રાશિદ Vs બાબર આઝમ
બાબર આઝમ ભલે વિશ્વનો નંબર-1 ટી-20 બેટર છે, પરંતુ સ્પિનર્સ સામે તે ઘણીવાર મુશ્કેલીમાં જોવા મળે છે. જો બોલર રાશિદ ખાન હોય તો મુશ્કેલી વધી જાય છે. રાશિદ અને બાબર પાંચ વખત ટી-20માં એકબીજા સામે ટકરાયા છે અને રાશિદે દરેક વખતે બાબરને આઉટ કર્યો છે. રાશિદ ટી-20માં બાબરને સૌથી વધુ આઉટ કરનાર બોલર છે. બાબરનો સ્ટ્રાઈક રેટ રાશિદ સામે ખાસ નથી અને 48 બોલમાં માત્ર 59 રન કર્યા છે.
3. હાર્દિક Vs મુશ્ફિકુર
હાર્દિક અને મુશ્ફિકુરની લડાઈ આંકડાને લીધે નહીં પરંતુ મોટા મુકાબલાને કારણે મહત્ત્વપૂર્ણ છે. બંને 2016ના ટી-20 વર્લ્ડ કપમાં એકબીજા સામે હતા. અંતિમ ઓવરમાં બાંગ્લાદેશને 6 બોલમાં 11 રનની જરૂર હતી, પરંતુ મુશ્ફિકુરે સતત 2 બોલમાં 2 ચોગ્ગા ફટકારી જીતની ઉજવણી શરૂ કરી હતી. પરંતુ હાર્દિકે 2 બોલમાં 2 વિકેટ ઝડપી ભારતને જીત અપાવી હતી. 6 વર્ષ બાદ બંને ખેલાડી એશિયા કપમાં ફરી એકબીજા સામે જોવા મળી શકે છે.
4. રોહિત શર્મા Vs શાકિબ
રોહિત શર્મા અને શાકિબ પોતાની ટીમના કેપ્ટન છે, તેથી બંને વચ્ચેની પ્રતિસ્પર્ધા પર ચર્ચા થાય જ. આ બંને વચ્ચેની લડાઈ બેટિંગ-બોલિંગમાં પણ જોવા મળશે, જ્યાં અત્યારસુધી શાકિબે રોહિતને મુક્તમને રમવા દીધો નથી. બંને 5 વાર ટી-20માં એકબીજા સામે ટકરાયા છે, જેમાં રોહિત વિસ્ફોટક અંદાજમાં જોવા મળ્યો નથી. શાકિબે રોહિત સામે 39 બોલ નાંખ્યા છે, જેમાં રોહિતે 4 ચોગ્ગાની મદદથી માત્ર 39 રન કર્યા છે. પરંતુ, રોહિત શાકિબ સામે માત્ર એકવાર 2009માં આઉટ થયો હતો.
5. લોકેશ રાહુલ Vs રાશિદ
લોકેશ રાહુલ અને રાશિદ ખાનની લડાઈ તમામ મેચમાં રસપ્રદ રહેવાની શક્યતા છે. રાહુલ અન્ય બોલર્સ સામે વિસ્ફોટક અંદાજમાં જોવા મળે છે ત્યારે રાશિદ વિરુદ્ધ તેની આંતરરાષ્ટ્રીય ટી-20માં સ્ટ્રાઈક રેટ 120થી ઓછાનો છે. ઓવરઓલ ટી-20માં રાશિદે રાહુલ સામે 43 બોલ નાંખ્યા છે, જેમાં રાહુલે 100થી ઓછા સ્ટ્રાઈક રેટ સાથે 33 રન કર્યા. આ દરમિયાન તે માત્ર એક ચોગ્ગો ફટકારી શક્યો અને 3 વાર આઉટ થયો.
Leave a Reply