– કચ્છ શાખા નહેરના લોકાર્પણથી 182 ગામોના કુલ 1,12,778 હેક્ટર વિસ્તારને મળશે પિયતનો લાભ
– કચ્છના ૯૪૮ ગામો તેમજ ૧૦ નગરોમાં પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન
– ત્રણ ફોલ અને ત્રણ પમ્પિંગ સ્ટેશનના અદભૂત એન્જિનિયરિંગ તકનીક ધરાવતી નહેરથી કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યુ પાણી
આગામી ૨૮ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ શાખા નહેરનું લોકાર્પણ કરશે.જેના પગલે કચ્છ જિલ્લાના ૧૮૨ ગામોના કુલ ૧,૧૨,૭૭૮ હેક્ટર વિસ્તારને પિયતનો લાભ મળશે. આ ઉપરાંત જિલ્લાના ૯૪૮ ગામો તેમજ ૧૦ નગરોમાં પણ પીવાનું પાણી પુરુ પાડવાનું આયોજન છે. વડાપ્રધાન રૂ.૧૭૪૫ કરોડના ખર્ચે નિમત કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું લોકાર્પણ કરવાના છે ત્યારે કચ્છ શાખા નહેરની સાંકળ ૨૧૪.૪૫ કિ.મી. સુધી બાંધકામ પુર્ણ કરાયું છે.
કચ્છ શાખા નહેરમાં સાંકળ ૨૧૪.૪૫ કી.મી. પછીના કામો ખાસ કરીને શિણાય ગામમાંથી નહેર પસાર કરવાનો પ્રશ્ન, જમીન સંપાદન, ફળાઉ ઝાડ, નેશનલ હાઇવે, રેલ્વે, ઓઇલ અને ગેસની પાઇપલાઈનોના ક્રોસિંગ સહિતની અમુક બાબતોને લઈને અટકી પડયા હતા. આ તમામ પ્રશ્નોનું સરકારે નિવારણ લાવીને મે-૨૦૨૨માં આ કેનાલનું કાર્ય પૂર્ણ કર્યું છે.
આમ હવે, કચ્છ શાખા નહેરથી જિલ્લાના ૧૮૨ ગામોના હેકટર ૨,૭૮,૫૬૧ એકર પિયત વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન છે. તેમજ કચ્છ શાખા નહેરના માધ્યમથી જિલ્લાના તમામ ૯૪૮ ગામો અને ૧૦ શહેરોમાં પણ પીવાનું પાણી પુરૂ પાડવાની વ્યવસ્થા ઉભી કરાશે. કચ્છ શાખા નહેર નર્મદા યોજના મુખ્ય નહેરની સાંકળ ૩૮૫.૮૧૪ કિ.મી બનાસકાંઠામાંથી નીકળે છે. કચ્છ શાખા નહેરની કુલ લંબાઈ ૩૫૭.૧૮૫ કિ.મી. છે. કચ્છ શાખા નહેર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ૮૨.૩૦ કિ.મી પસાર કરી કચ્છ જિલ્લામાં કચ્છના નાના રણના ૧૦ કિ.મી. ઓળંગીને સાંકળ ૯૪ કિ.મી.થી કચ્છની મુખ્ય ભૂમિ પર પ્રવેશ કરે છે. કચ્છના વિસ્તારોમાં આ કેનાલના પાણીથી ખાસ કરીને ખેતીમાં ફાયદો થશે.
કચ્છ શાખા નહેર ઘુડખર અભયારણ્યની વચ્ચે પસારથી કરે છે. કેનાલ માટે સક્ષમ સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરી મેળવવી જરૂરી હતી. તદુપરાંત કેનાલની આ પહોંચમાં બાંધકામ માટે વધારાની કાળજી લેવામાં આવી છે. ઘુડખર માટે કેનાલને પાર કરવા માટે ખાસ રસ્તા/માર્ગો આપવામાં આવ્યા છે. આ હેતુ માટે પુલની ઉપરની સપાટીને આવરી લેવા માટે કુદરતી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેનાલની બંને બાજુએ બેરીકેડીંગ/ફેન્સીંગ પણ કરવામાં આવ્યું છે જેથી કોઈપણ ઘુડખર કેનાલમાં પડી ના જાય.
કચ્છ પ્રદેશ સપાટ વિસ્તાર નથી પણ એક દ્વીપકલ્પ છે. દક્ષિણમાં કચ્છના અખાત દ્વારા અને ઉત્તરમાં કચ્છના રણ દ્વારા ઘેરાયેલ છે. કચ્છની મુખ્ય ભૂમિમાં ઘણી બધી ટેકરીઓ અને ખીણો છે. તેને પાર કરવાની જરૂર હતી. આ હેતુ માટે ભૂપ્રદેશની જરૂરિયાત મુજબ વિવિધ વિશિષ્ટ બાંધકામો બનાવવામાં આવ્યા છે. ૪.૮૫ મી. ઠ ૪.૮૫ મી.ના ક્રોસ સેક્શનના ૩ નંગ બેરલ ધરાવતી લાંબી નહેર સાઇફનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આવા અન્ય ઘણા પ્રકારના વિવિધ માળખા કેનાલની સમગ્ર લંબાઈમાં બાંધવામાં આવ્યા છે.
કચ્છ બ્રાન્ચ કેનાલ રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. તે રાપર, ભચાઉ, અંજાર, આદિપુર, મુન્દ્રા અને માંડવી જેવા મોટા શહેરો નજીકથી પણ પસાર થાય છે. ૨૦૦૧ના ભૂકંપમાં મોટું નુકસાન થયું હતું અને મોટાપાયે જાનહાની થઈ હતી. નહેરના આ ભાગમાં ભૂકંપ પ્રુફ કેનાલનું નિર્માણ કરવું પડકારરૂપ હતું. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ઇન-હાઉસ ડિઝાઇન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ડિઝાઇન તૈયાર કરીને આ પડકારને પણ હલ કરવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લામાં કચ્છ શાખા નહેરના બાંધકામ માટે અંજાર, ગાંધીધામ, માંડવી અને મુંદ્રા તાલુકામા આશરે ૧૧૫ હેકટરનું જમીન સંપાદન બાકી હતું. જેના લીધે કચ્છ શાખા નહેરની ૧૩.૮૬૦ કિ.મીની લંબાઈમાં બાંધકામની કામગીરીમાં વિક્ષેપ ઉભો થયો હતો. જોકે, સરકારે આ તમામ પ્રશ્નોનું નિવારણ લાવીને જમીન સંપાદનની કામગીરી ૨ વર્ષમાં જ પૂર્ણ કરી હતી.
કચ્છ જિલ્લાના કુલ ૧,૧૨,૭૭૮ હેકટર વિસ્તારમાં સિંચાઇ માટે પાણી આપવા કચ્છ શાખા નહેરની વહનક્ષમતા ૧૨૦ ઘ.મી./સેકન્ડ રાખવામાં આવી છે. વધુમાં કચ્છ જિલ્લા માટે ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર વધારાના (સરપ્લસ) એક (૧) મીલીયન ઘન ફુટ પાણી વહેવડાવવા માટે કચ્છ શાખા નહેરની વહનક્ષમતા ઉદગમ સ્થાને ૧૨૦ ઘ.મી/સેકન્ડથી વધારી ૨૨૦ ઘ.મી/સેકન્ડ કરવામાં આવી છે. કચ્છ શાખા નહેરની વહન ક્ષમતા કચ્છમાં જુદી જુદી જગ્યાએ સિંચાઈની જરૂરીયાત તેમજ વધારાના પાણીના વહન માટેની જરૂરીયાત મુજબ રાખવામાં આવેલ છે. કચ્છની પ્રગતિમાં આ કેનાલ પણ સહભાગી બનશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે.
કેનાલમાંથી પણ વીજળીનું ઉત્પાદન થઈ શકે એવું આયોજન
કચ્છની ભૌગોલિક વિષમ પરસ્થિતિ વચ્ચે છેવાડાના ગામ સુધી કેનાલ મારફતે પાણી પહોંચાડવું ભગીરથ કાર્ય હતું. કચ્છની મુખ્ય ભૂમિમાં પ્રવેશવા માટે કચ્છ શાખા નહેરને કચ્છના રણને ઓળંગવું પડતું હોવાથી તે પણ એક પડકાર હતો. કચ્છનું રણ દરિયાની સપાટીએ આવેલ છે. જ્યારે કચ્છ શાખા નહેરનો પિયત વિસ્તાર ઉચ્ચ સ્તરે છે અને નહેરનું સ્તર જ્યાંથી તે નર્મદા મુખ્ય નહેર નજીકથી નીકળે છે તે પણ ઉચ્ચ સ્તરે છે. તેથી આ પડકારને પહોંચી વળવા માટે ત્રણ ધોધ(ફોલ) આપવામાં આવ્યા છે. પાણી ઉપાડવા માટે ત્રણ પમ્પિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે.તદુપરાંત પાણી ઉપાડવા માટે વપરાતી વીજળીની પુનઃપ્રાપ્તિ માટે ધોધના ૩ સ્થળોએ વોટર કેનાલ બેડ પાવર હાઉસ સ્થાપિત કરવામાં આવ્યા છે. જે ૨૩.૧ મેગાવોટ પાવરનું ઉત્પાદન કરશે. આમ કેનાલમાંથી પણ વીજળીનું ઉત્પાદન થઈ શકે એવું આયોજન કરવામાં આવ્યું છે.
Leave a Reply