કોરોના બાદ ઝડપી સુધારા અને લો-બેઝ ઇફેક્ટને કારણે નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસદર 13થી 15.7 ટકા રહેવાનો અંદાજ છે. ઉપરાંત અમુક અંદાજ અનુસાર જીડીપી દર આ આંકડા કરતા પણ વધુ હોઈ શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 15.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. આ સિવાય રેટિંગ એજન્સી ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં વિકાસદર 13 ટકાથી નીચે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ આવતા અઠવાડિયે પ્રથમ ક્વાર્ટરના જીડીપીના આંકડા જાહેર કરશે.
તાજેતરની રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીમાં દેશની સેન્ટ્રલ બેંકે કહ્યું કે કોરોના મહામારીની પ્રથમ લહેરમાં જૂન, 2020માં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ બગડવા છતાં વર્ષ 2021ના જૂન ક્વાર્ટર દરમિયાન વિકાસદરમાં 20.1 ટકાનો વધારો થયો હતો. ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 16.2 ટકા રહેવાનું અનુમાન મૂક્યો છે.
દેશના વિકાસદરની કમાન સર્વિસ સેક્ટરના હાથમાં જોવા મળશે. અહેવાલ અનુસાર સર્વિસ સેક્ટર દ્વારા દેશના જીડીપીને સૌથી વધુ વૃદ્ધિ અને વેગ મળશે. સેવા ક્ષેત્રનો વિકાસ દર 17થી 19 ટકા રહેવાની સંભાવના છે. ત્યારબાદ ઉદ્યોગજગતનો જીડીપી 9થી 11 ટકા રહેશે.
Leave a Reply