– હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ કર્યું નયનરમ્ય કાર્ય : ચક્ષુદાન પખવાડિયુ ઉજવાશે
– ૨૫મી ઓગસ્ટથી ૮મી સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી
અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના આંખ વિભાગ અંતર્ગત કાર્યરત ચક્ષુ બેંક દ્વારા અત્યાર સુધી જુદા જુદા કારણસર આંખનું તેજ ગુમાવી ચૂકેલા ૧૧૧ દ્રષ્ટિવિહીનમાં ચક્ષુ દાતાઓ મારફતે મળેલી આંખની કીકીનું આરોપણ કરી તેમની દુનિયા રોશન બનાવી, આંખ વિભાગે નયનરમ્ય કાર્ય કર્યું છે.
દરવર્ષે ૨૫મી ઓગસ્ટથી ૮મી સપ્ટેમ્બર સુધી લોકોમાં ચક્ષુદાન માટે જાગૃતિ લાવવાના હેતુસર ઉજવાતા ચક્ષુદાન પખવાડિયાના પ્રારંભે જી. કે. ના આંખ વિભાગના હેડ અને આઈ સ્પેશિયાલિસ્ટ ડો. કવિતા શાહે કહ્યું કે કચ્છના ચક્ષુ દાતાઓએ ચક્ષુ વિહીનની દુનિયા ઊજળી બનાવવા કરેલું આ અંગદાન સ્વીકારી આંખની રોશની ગુમાવી દેનારને આંખમાં દાતાની કીકીનું પ્ર્ત્યારોપણ કરવામાં આવે છે, જે કચ્છમાં આ જ હોસ્પિટલમાં થાય છે. કીકી ના આરોપણનું આ કાર્ય આઈ સ્પેશિયાલિસ્ટ ડો. લક્ષ્મી આહિરના માર્ગદર્શન હેઠળ થાય છે.
જી. કે. જનરલ હોસ્પિટલની આંખ વિભાગની ટીમ ચક્ષુદાનનો સ્વીકાર કરે છે, સાથે સાથે ગાંધીધામ, ભુજ, અંજાર, આદિપુર રોટરી ક્લબ તેમજ અંધ અને અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી અને લાયન્સ ક્લબ ભુજ જેવી સંસ્થાઓ પણ આ કાર્યમાં સક્રિય બની સેવારત છે. જી. કે. ના આ આંખ વિભાગના ડો. અતુલ મોડેસરા, ડો. સંજય ઉપાધ્યાય, સિનિયર રેસિડેન્ટ ડો. નિખિલ રૂપાલા ડો. બંસરી સોરઠિયા ઉપરાંત ડો. કિંજલ મહેતા, ડો. નૌરીન મેમણ, ડો. ચિંકિત વોરા, ડો. મીત પરિખ આ કાર્યમાં સહભાગી થાય છે. અત્યાર સુધી ૧૮૭ દાતાઓએ ચક્ષુદાન કર્યું છે.
ચક્ષુદાન કોણ કરી શકે અને શું કરવું જોઈએ ?
નેત્રદાન કોણ કરી શકે, અને તે માટે શું કરવું એ સંદર્ભે ડો. કવિતા શાહે કહ્યું કે નાનીવયના થી માંડીને વૃદ્ધો નેત્રદાન કરી શકે જેમાં બ્લડગ્રુપ, ધર્મ, જાતી કે ઉમરને કોઈ બાદ નથી. જો મૃત્યુ પછી કોઈને નેત્રદાન કરવાની ઈચ્છા હોયતો તેમણે કુટુંબીજનો, પાડોશી, સગાસબંધી કે ફેમિલી ડોક્ટરને જણાવી રાખવું. જી. કે. માં ચાલતી ચક્ષુ બેંકના મોબાઈલ નં. ૯૭૨૬૪૩૦૭૮૩ ઉપર સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જી. કે. જનરલ હોસ્પિટલ અને અદાણી મેડિકલ કોલેજ દ્વારા ચક્ષુદાન જાગૃતિ પખવાડિયાની સંદર્ભે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત કોલેજ અને હોસ્પિટલનો સ્ટાફ વિધ્યાર્થીઓ અને તબીબો દ્વારા પાંચ કિલોમીટર વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાગૃતિ માટે નાટક જેવા કાર્યક્રમો યોજાશે.
Leave a Reply