– મોટી કંપનીઓ દ્વારા પ્રતિસ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓ બદલ કાર્યવાહી
– વિવિધ ટેક્નોલોજી પ્લેટફોર્મ-કંપનીઓ પર પ્રતિસ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓની ફરિયાદોને પગલે કાર્યવાહી
ભારતમાં ડિજિટલ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓના મુદ્દે દુનિયાની મોટી આઈટી કંપનીઓના પ્રતિનિધિઓ આજે સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થશે. સંસદીય સમિતિએ આ મુદ્દે સ્વિગી, ઝોમેટો, ઓયો જેવી અન્ય કેટલીક કંપનીઓ સાથે ચર્ચા કરી છે.
આઈટી બાબતોની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ જયંત સિંહાએ જણાવ્યું કે દુનિયાની મોટી આઈટી કંપનીઓ એપલ, ગૂગલ, અમેઝોન, નેટફ્લિક્સ અને માઈક્રોસોફ્ટની ભારતીય શાખાઓના ટોચના અધિકારીઓ આજે સંસદીય પેનલ સમક્ષ હાજર થશે. આ પેનલ ડિજિટલ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખી રહી છે. ફાઈનાન્સ અંગેની સંસદની સ્થાયી સમિતિ મોટી ટેક્નોલોજી કંપનીઓના સંબંધમાં બજારમાં સ્પર્ધા અંગેના વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે.
તાજેતરમાં વિવિધ ટેક્નોલોજી પ્લેટફોર્મ અને કંપનીઓ દ્વારા કથિત રીતે પ્રતિસ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોવાની ફરિયાદો મળતાં આ કાર્યવાહી હાથ ધરાઈ છે. અયોગ્ય બિઝનેસ પ્રવૃત્તિઓની ફરિયાદોના પગલે સીસીઆઈ વિશેષરૂપે ડિજિટલ ક્ષેત્રમાં વિવિધ કેસોની તપાસ કરી રહી છે.
જયંત સિંહાએ જણાવ્યું કે, એપલ, માઈક્રોસોફ્ટ, અમેઝોન, ગૂગલ, નેટફ્લિક્સ અને અન્ય કેટલીક કંપનીઓના ભારતીય એકમોના પ્રતિનિધિઓ ડિજિટલ બજારમાં પ્રતિસ્પર્ધા વર્તણૂકના મુદ્દે સંસદીય સમિતિ સમક્ષ હાજર થશે. તેમણે ઉમેર્યું કે, સમિતિએ આ મુદ્દે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ), કંપની બાબતોના મંત્રાલય અને ભારતીય ટેક કંપનીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી લીધી છે.
ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિંહાએ કહ્યું કે, સ્વિગી અને ઝોમેટો જેવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ, કેબ એગ્રેગેટર ઓલા, હોટેલ એગ્રેગટર ઓયો અને ઓલ ઈન્ડિયા ગેમિંગ એસોસિએશન જેવી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે અગાઉ ચર્ચા થઈ ચૂકી છે.
Leave a Reply