અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં કિશોરને ડાબી આંખમાં કાંટો વાગવાથી તેમાં સદંતર દેખાવાનું બંધ થઈ જવાને પગલે હોસ્પિટલની આંખ વિભાગની ટીમે તેમાં નેત્રમણી બેસાડી દ્રષ્ટિમાં પુનઃ ચેતનાનો સંચાર કર્યો હતો અને એ સાથે હોસ્પિટલના આંખ વિભાગને વધુ એક સફળતા મળી હતી.
આ સફળ ઓપરેશન કરનાર જી. કે.ના ચક્ષુ નિષ્ણાત ડૉ. અતુલ મોડેસરાએ કહ્યું કે, ભુજ તાલુકાના ભારાસર ગામના ૧૧ વર્ષના જાન મામદને ડાબી આંખમાં કાંટો વાગવાથી તે આંખની જોવાની શક્તિ વિલુપ્ત થઈ ગઈ હતી. એ પરિવાર શહેરની જુદીજુદી હોસ્પિટલની મુલાકાત લીધી, છેવટે અત્રે આવતા તેની તપાસણીમાં જણાયું કે, આંખમાં કાંટો વાગવાથી મોતિયો પાકી ગયો હતો એટલે તાત્કાલિક ઓપરેશનનો નિર્ણય કર્યો.
આંખમાં ઓપરેશન દ્વારા નેત્રમણી બેસાડી, જેથી એ આંખ પૂર્વવત થઇ ગઇ. આ સફળ ઓપરેશનમાં રેસિ. ડૉ. નિખિલ રૂપાલા, ડૉ. કિંજલ મહેતા, ડૉ. ચિંકિત વોરા તેમજ એનેસ્થેટિક વિભાગના ડૉ. જલદીપ પટેલ, રેસિ. ડૉ. વૈભવી મેંદપરા અને ધ્રુવ વિરસોદીયા સહભાગી થયા હતા. નર્સિંગ ઇન્ચાર્જ કૈલાશ દવેએ સહકાર આપ્યો હતો.
કિશોરના પિતા જરાભાઈ સમાએ તબીબોનો આભાર માનતા કહ્યું કે, ભુજની અન્ય હોસ્પિટલોએ હાથ ખંખેરી નાખ્યા ત્યારે જી. કે. દ્વારા છોકરાને પહેલા જેમ જોતો કરી દેતા અમે ખુશ છીએ.
Leave a Reply