– સેન્સેક્સ-નિફ્ટી ટોચથી હજી 4% નીચે
ક્રૂડના કડાકા અને મોંઘવારી કાબૂમાં આવતા ફરી ઈક્વિટી માર્કેટ તરફ રોકાણકારોનું જોમ વધ્યું છે. ભારતીય શેરમાર્કેટમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોની છેલ્લા બે મહિનાથી થઈ રહેલ અવિરત લેવાલીને કારણે ગુરુવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 280.54 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.
18 ઓગસ્ટ 2022ના રોજ બજાર બંધ થયા બાદ બીએસઇનું કુલ માર્કેટકેપ રૂ. 280.52 લાખ કરોડ રહ્યુ હતુ.
વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી ફરી શરૂ થવાથી, યુએસ ફુગાવામાં ઘટાડો અને વ્યાજદરમાં વધારાની નબળી અપેક્ષાએ બજારના સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે. તેને પગલે સેન્સેક્સ-નિફ્ટીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અગાઉ 17 જાન્યુઆરી, 2022ના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 280.03 લાખ કરોડ રૂપિયાના આ અગાઉના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે હતું.
BSE પર માર્કેટ કેપની દ્રષ્ટિએ નવો રેકોર્ડ બનાવ્યો હોવા છતાં ભારતીય શેરબજારના બેંચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી આજે પણ ઓલટાઈમ હાઈ લેવલથી 4 ટકા નીચે કામકાજ કરી રહ્યાં છે. સેન્સેક્સ અને નિફ્ટીએ 19 ઓક્ટોબર 2021ના રોજ ઓલટાઈમ રેકોર્ડ હાઈ બનાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2021થી જૂન 2022ના મધ્ય સુધી સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે 20 જૂન, 2022 પછી બંને ઈન્ડેકસમાં લગભગ 16.5 ટકાનો વધારો જોવા મળતા સરભર થયા છે. સેન્સેક્સે ગુરૂવારે ફરી 60,000નું લેવલે ક્રોસ કર્યું હતુ અને નિફ્ટી 18000ની નજીક પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન BSE મિડકેપ ઇન્ડેક્સમાં 18 ટકા, BSE સ્મોલકેપમાં 20 ટકા અને BSE 500 ઇન્ડેક્સમાં 19 ટકાનો વધારો થયો છે.
Leave a Reply