– મધ્યમ કદના વધુ 2 સહિત 16 ડેમ છલોછલ
– અનરાધાર વરસાદ ખાબકી જતાં વાગડનો ફતેહગઢ ડેમ, જ્યારે લખપતનો નરા ડેમ ઓગન્યો
– ગોધાતડઅને સાન્ધ્રો ડેમના આસપાસના ગામોને સતર્ક કરાયા
કચ્છમાં ફરીથી બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. વાગડમાં બેથી નવ ઇંચ વરસાદ પડ્યો. જેને પગલે ફતેહગઢ ડેમ છલકાઇ ગયો છે. તો બીજી તરફ લખપતનો નરા ડેમ છલકાઇ જતા કુલ વીસ મધ્યમ કદના ડેમમાંથી 16 ઓવરફ્લો થઈ ગયા છે. સાન્ધ્રો ફરીથી ઓવરફ્લો થઈ અને એક મીટર ઉપરથી પાણી વહેતું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા તંત્રે જણાવ્યું છે. કચ્છ જિલ્લામાં અત્યારે પડી રહેલા વરસાદના પગલે જિલ્લાના ડેમો અને નદીઓ અને તળાવોમાં પાણીની સારી એવી આવક થઈ રહી છે.
લખપત તાલુકામાં પણ ચાલુ વરસાદને કારણે ગોધાતડ, નરા અને સાન્ધ્રો ડેમમાં પાણી ભરાતા આસપાસના ગામોને તેમજ સ્થાનિકોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે. ગોધાતડ નદીમાં પાણીનો ફ્લો વધતાં કપુરાશિ અને કોરિયાણી ગામને સતર્ક કરાયા છે. નરેડી અને બુધા ગામના લોકોને પણ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.
ગોધાતડ અને સાન્ધ્રો ડેમમાં તેમજ ખારી નદીના પટ પર અવરજવર ના કરવા તેમજ સાવચેતી રાખવા માટે સંબંધિત ગ્રામજનોને સાવચેત કરાયા છે તેમજ પોલીસ બંદોબસ્ત માટે પણ વહીવટી તંત્ર તરફથી સૂચના આપવામાં આવેલી છે. નરા ડેમ ઓવરફ્લો થવાથી વહીવટીતંત્ર તરફથી લખપત તાલુકાના નરા ગામ, સમેજાવાંઢ,ભુજ તાલુકાના લુણા તેમજ નખત્રાણા તાલુકાના લુડબાઈ, ઉઠંગડી, ધોરો ગામના લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.
નાના ડેમ મહિના પહેલા 97 ભરાયેલા હતા હવે ઘટીને 93 થયા
કચ્છ જિલ્લામાં નાની સિંચાઈના કુલ 170 ડેમ છે, જેમાંથી મહિના પહેલા 16 જુલાઈના 97 ડેમ પૂર્ણ ભરાયેલા હતા. જે અેક મહિના બાદ 17 અોગસ્ટે ઘટીને 93 થઈ ગયા છે. વળી અંશત ભરાયેલા પણ 41માંથી 61 થઈ ગયા છે. અામ, ચોમાસુ જેમ જેમ અાગળ વધ્યું તેમ તેમ ડેમ ભરાયા બાદ ડેમમાંથી પાણી ઘટવાની ઘટના બનવા લાગી છે! અોવરફ્લોની સંખ્યામાં પણ ઘટાડો |જિલ્લા પંચાયત સ્થિત સિંચાઈ સમિતિના ચેરમેન ધનાભાઈ હુંબલ પાસે જુલાઈ માસની 16મી તારીખે અહેવાલ રજુ થયો હતો, જેમાં અોવરફ્લો ડેમની સંખ્યા 30 બતાવાઈ હતી. જ્યારે 17મી અોગસ્ટે રજુ થયેલા અહેવાલમાં 21 ડેમ અોવર ફ્લો બતાવાયા છે.
Leave a Reply