અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ પુરુષના હૃદયનુ દાન કરાયુ

– અંગદાનમાં મળતા 9 અંગોમાં હૃદયનું દાન સૌથી મહત્વનું

– કિડની અને લીવર જીવિત વ્યક્તિ પણ દાન કરી શકે છે જ્યારે હૃદય, ફેફસા જેવા અંગોનું દાન બ્રેઇનડેડ બાદ જ શક્ય બને છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ અમિત તરુણભાઇ શાહના પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય અમિતભાઇ શાહ ઉંચાઇ પરથી પડી જતાં સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના તબીબો જ્યારે તેમના બ્રેઇનડેડ શરીરમાંથી અંગોના દાન માટે રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ ગયા અને અંદાજીત 7 થી 10 કલાકની મહેનત અને ભારે જહેમતના અંતે હૃદય અને બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી.

અત્રે નોંધનીય છે કે, બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી અન્ય અંગોની સાપેક્ષે હૃદય, ફેફસા, નાનું આંતરડુ જેવા અંગોનું દાન મળવું તબીબી જગતમાં અતિ મહત્વનું માનવામાં આવે છે. કારણ કે અંગદાનમાં મળતા 9 અંગોમાંથી કિડની, લીવર જીવિત વ્યક્તિ પણ દાન કરી શકે છે પરંતુ હૃદય, ફેફસા જેવા અંગો બ્રેઇનડેડ થયા બાદ જ દાન કરવા શક્ય બને છે.

તેમાં પણ ખાસ કરીને હૃદયને અન્ય અંગોની સાપેક્ષે અતિમહત્વનું માનવામાં આવે છે. જેને ગણતરીના 4થી 5 કલાકમાં જ રીટ્રાઇવ કર્યા બાદ અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવાની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ જણાવે છે કે, અંગદાનના સર્વે અંગોમાંથી હૃદય અતિમહત્વનું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ કુલ 83 અંગદાનમાં 136 કિડની, 70 લીવર મળ્યા છે પરંતુ હૃદયનું દાન મેળવવામાં 22 કિસ્સામાં સફળતા મળી છે.

આના પરથી સમજી શકાય કે 22 હૃદયનું દાન મળવું પણ પોતાનામાં એક આગવી સિધ્ધી છે. જે અમારા તબીબોની ભારે જહેમત અને કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ અમિતભાઇ શાહના મળેલા હૃદયના દાનને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ શહેરની સિમ્સ હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતુ.

સિમ્સ હોસ્પિટલના સર્જન ડૉ. ધિરેન શાહ પ્રત્યારોપણ થયેલ દર્દીની વિગતો આપતા જણાવે છે કે, અંગદાનમાં મળેલા હૃદયને પાટણના 38 વર્ષીય પુરૂષ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. 5 કલાકની અત્યંત જટીલ સર્જરીના અંતે સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં અમને સફળતા મળી છે.

દર્દી ઘણાં લાંબા સમયથી હૃદયની સમસ્યાથી પીડાઇ રહ્યા હતા. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા દર્દીને આ પીડામાંથી ઉગારવા અને પ્રત્યારોપણ માટે ઘણી સામાજીક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: