ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધન એ ભાઇ-બહેનનો ખુબ મહત્વનો તહેવાર માનવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત પણ વિવિધ દિવસોનો અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ઉત્થાન શાળાઓમાં “ઇકો ફ્રેન્ડલી” રક્ષાબંધનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉત્થાનના વિદ્યાર્થીઓ રાખડીઓ તૈયાર કરીને એક છોડને બાંધીને તેનું આખા વર્ષ દરમિયાન તેની કાળજી લેશે તેવો સંકલ્પ લીધો હતો. જેમાં રક્ષાબંધન પ્રકૃતિની, પ્રકૃતિ દ્વારા અને પ્રકૃતિ માટે” થીમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. પ્રકૃતિ થકી આપણે છીએ અને તે હશે તો જ આપણે રહીશું તેથી તેની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે. તે મુલ્ય બાળપણમાંથી જ વિકશે તે ખુબ જ અગત્યનું છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે ખરી ? એ પ્રશ્નનો જવાબ આ રીતે રક્ષાબંધન ઉજવાય તો આપો આપ જ મળી જાય તેમ છે.
ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને વિવિધ ઉજવણી દ્વારા તહેવારો વિશે જાણવામાં ઉત્સાહ જાગે, શાળામાં આવી ઉજવણી થાય તો શિક્ષણમાં રસ જાગે અને શાળાનું વાતાવરણ ધમધમતું અને બાળકને ગમતું બને તે હેતુથી ઉજવણી કરવામાં આવી હતી. ઉત્થાન સહાયકોના માર્ગદર્શનમાં બાળકોએ “ઇકો ફ્રેન્ડલી” રાખડીઓ બનાવવામાં આવી હતી. બાળકો પોતે સંપૂર્ણ રીતે તેમાં જોડાય અને તે પોતે રાખડી બનાવે તો તેનું મહત્વ ખુબ જ વધી જાય છે. બાળકના આવી પ્રવૃતિઓમાં જોડાવાથી તેમની વિચારશીલતા, સર્જનાત્મકતા અને સંવેદનશીલતા જેવા જરૂરી ગુણો વિકશે છે. ગત વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી સ્વરૂપે કોરોના કાળ દરમિયાન પોતાનું યોગદાન આપનાર કોરોના વોરિયર્સ જેવાકે ડોક્ટર, પોલીસ, સ્વૈચ્છિક કાર્યકરોને રાખડી બાંધીને રક્ષાબંધનની અનેરી ઉજવણી કરી. “ઝાડ જો જતન, આબાદ રહે વતન” ઉપરોક્ત પંક્તિ સાર્થક કરતું ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધન જેમાં વૃક્ષોની પૂજા કરી અને આજીવન રક્ષણ કરવાની બાળકોએ પ્રતિજ્ઞા લીધી હતી. ઉજવણી દ્વારા બાળકોના માનસપટલ ઉપર પ્રકૃતિની જાળવણીની હકારાત્મક છાપ પડશે, જે તેમને પ્રકૃતિ પ્રત્યે હમેશાં સંવેનશીલ રાખશે. આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગ નામના રાક્ષસથી પીડાઈ રહ્યું છે પણ તે તરફ ખુબ જ ઓછી પહેલ લેવામાં આવે છે, ત્યારે આવી બાળકો દ્વારા નાની ઉજવણી એ ભવિષ્યની ખુબ મોટી આશાનું બીજ વાવેતર થતું હોય તેવું લાગી રહ્યું છે. બાળકને પ્રકૃતિ પ્રેમ સાથે જોડાય અને બાળકને સમજાય કે વૃક્ષોનું જતન કરશું તો જ આવનારી પેઢીઓને સ્વસ્થ અને તંદુરસ્ત વાતાવરણ મળશે. અને આપણી ધરાના આભૂષણરૂપી આ વૃક્ષ સદૈવ સુરક્ષિત રહે એવા સંકલ્પ સિદ્ધ થશે. આ કાર્યક્રમમાં બાળકોએ દર વખતની જેમ હર્ષભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્યશ્રી અને સ્ટાફે ઉત્થાન સહાયકોને પુરતો સહયોગ આપ્યો હતો.
ઉત્થાન પ્રોજેક્ટની મુન્દ્રાના ૭ ગામની ૧૭ શાળામાં શરૂઆત થઇ હતી. જેનો લાભ ૨૦૧૮-‘૧૯, ૨૦૧૯-‘૨0 અને ૨૦૨૦-‘૨૧માં અનુક્રમે ૨૫૯૮, ૨૩૯૭ અને ૨૩૨૪ વિદ્યાર્થીઓને લાભ મળતો હતો. શિક્ષકોનો ઉત્સાહપૂર્વકનો આવકાર, ગ્રામજનોની સહભાગીદારી અને NEP ૨૦૨૦ના બહુમુલ્ય સૂચનોને આધીન ઉત્થાન પ્રોજેક્ટ ચાલતો હોવાથી તે વધુ શાળાઓ સુધી પહોચે તેવી સૌની માગણી હતી. જેને આવકારતા ઉત્થાન પ્રોજેક્ટને વધુ વ્યાપક બનાવવા ૨૦૨૦-૨૧માં મુન્દ્રાની ૧૭ શાળાઓમાં વધારો કરતાં અહીંની ૧૧ ગામના ૨૯૨૬ વિદ્યાર્થીઓને લાભ મળતો થયો. જેને આ વર્ષે ૮ ગામની ૧૭ શાળાઓ ઉમેરતા કુલ ૫૧ શાળા ૯૧૦૭ વિદ્યાર્થીઓને લાભ મળે છે. નખત્રાણા તાલુકાની ૮ શાળાઓમાં પ્રોજેક્ટ ૨૦૧૯-૨૦ થી કાર્યરત છે. “ઉત્થાન” પ્રોજેક્ટ અંતર્ગત દરેક શાળામાં શિક્ષક તરીકે “ઉત્થાન સહાયક” તરીકે કાર્યરત છે. “આઈટી ઓન વ્હીલ”, રમત ગમત, અંગ્રેજી, સ્માર કેમ્પ, મધર્સ મીટ અને અન્ય વિવિધ સહાયક પ્રવૃત્તિ માટે શિક્ષક નીમવામાં આવ્યા છે. શિક્ષણ સાથે સર્જનાત્મક પ્રવૃતિઓ વિકસે તે માટે શાળામાં રમત ગમતના સાધનો, શાળા સુશોભન, પેન્ટિગ, લાયબ્રેરી, સંગીતના સાધનો, સ્માર્ટ ક્લાસ, TLM કીટ અને વિજ્ઞાન કીટ જેવી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવાનું કાર્ય ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવે છે. આ બધી પ્રવૃતિઓ પરિણામ લક્ષી કરી શકે તે માટે ઉત્થાન સહાયકને વિવિધ તાલીમો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉત્થાન શાળામાં શિક્ષક, આચાર્ય, વાલી, વિધાર્થી અને સરકારી અધિકારીઓ સાથે રહીને પ્રાથમિક શાળાને ઉત્તમ બનાવા માટે વિવિધ આ પ્રકારના સતત પ્રયાસ કરવામાં આવે છે.
Leave a Reply