– ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં લેવાયેલા 63 સેમ્પલ પૈકી 1 પોઝીટીવ કેસ આવ્યો
– ચાલુ વર્ષે જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા 493 વ્યક્તિઓના નમૂના લેવાયા, 28 પોઝીટીવ
– ગત વર્ષે આ સમયગાળામાં 13 ટેસ્ટ થયા હતા
કચ્છ જિલ્લામાં હાલમાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા શરૂઆતથી કરવામાં આવેલી રોગ અટકાયતી કામગીરીના કારણે આ વર્ષે ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવતા ડેન્ગ્યુના કેસો ગત વર્ષની તુલનાએ 4 ગણા વધારે આવ્યા છે.
જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશભાઈ દુર્ગાણીએ માહિતી આપતા જણાવ્યું કે,સરકારી દવાખાનામાં ગત વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધીના પ્રથમ સપ્તાહમાં 13 સેમ્પલ લેવાયા હતા જેની સામે ચાલુ વર્ષે આ સમયગાળામાં 63 સેમ્પલ કલેકટ કરવામાં આવતા 1 પોઝીટીવ કેસ આવ્યો છે.વર્ષ વાઇઝ વાત કરીએ તો,ગત વર્ષે અત્યારસુધીમાં 107 ટેસ્ટ પર 6 પોઝીટીવ કેસ હતા જ્યારે ચાલુ વર્ષે 7 ઓગસ્ટ સુધીમાં 493 ટેસ્ટની સામે 28 પોઝીટીવ કેસ આવ્યા છે.ગત વર્ષની તુલનાએ ટેસ્ટિંગ વધારવામાં આવતા કેસો વધારે આવી રહ્યા છે.તંત્ર દ્વારા કેસોના સર્વેલન્સ અને ટ્રેસિંગ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
મેલેરિયાના 42 કેસ ચાલુ વર્ષે નોંધાયા, 3.66 લાખ વ્યક્તિઓના લેવાયા હતા નમૂના
ખાસ કરીને ચોમાસાની સિઝનમાં વરસાદ પછી મેલેરિયાના કેસોની સંખ્યામાં વધારો થાય છે.ખાબોચિયામાં પાણી ભરાઈ જવાથી મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે જેના કારણે કેસો વધતા હોય છે.ગત વર્ષે કુલ 3.30 લાખ ટેસ્ટ કરવામાં આવતા 112 પોઝીટીવ કેસ આવ્યા હતા જેની સામે ચાલુ વર્ષે 7 ઓગસ્ટ સુધીમા 3.66 લાખ ટેસ્ટ કરવામાં આવતા 42 પોઝીટીવ કેસ સરકારી કેન્દ્રોમાં સામે આવ્યા છે.જિલ્લા તંત્ર પાસે સરકારી દવાખાનામાં સામે આવતા કેસોની માહિતી હોય છે ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં દર્દીઓનો ઉભરાવો હોવાથી આ આંકડો ઘણો વધુ હોઇ શકે.પણ હાલ તબક્કે સરકારી ડેટા મુજબ કચ્છમાં મેલેરિયાનો પ્રવાહ ગત વર્ષની તુલનાએ ઓછો છે જ્યારે ડેન્ગ્યુમાં 4 ગણા કેસો વધુ છે.
દરમ્યાન ગત વર્ષની તુલનાએ કેસો ઘટવા પાછળનું કારણ આપતા જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશભાઈ દુર્ગાણીએ જણાવ્યું કે,વિશ્વ મેલેરિયા દિવસ, મેલેરિયા વિરોધી જૂન માસ, ડેન્ગ્યુ વિરોધી જુલાઇ માસની ઉજવણી દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા જુદા માધ્યમો થકી મચ્છર નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી ગ્રામ પંચાયતના સરપંચોને ચોમાસાની ઋતુ દરમ્યાન ગામના વિસ્તારોમાં વાહક મચ્છર ઉત્પતિ નિયંત્રણ કામગીરીમાં સક્રીય રીતે સાંકળી લેવા જણાવાયું તેમજ જીલ્લા કક્ષાએથી વાહક જન્યરોગોની પરિસ્થિતીની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે સાથે જ પૂરતા પ્રમાણમા લોજિસ્ટિક અને મેલેરિયા વિરોધી ઔષધો ઉપલબ્ધ છે અને તાલુકા કક્ષાએ વાહક જન્ય રોગોના કિસ્સામાં નોંધાતા અસાધારણ વધારાને પહોંચી વળવા સારૂ રેપીડ રીસ્પોન્સ ટીમોનું ગઠન કરી તેઓને પુરતી ઔષધો અને જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
કચ્છમાં 162 વ્યક્તિના ચિકનગુનિયાના ટેસ્ટ કરાયા : 28 દર્દીઓ પોઝિટિવ આવ્યા
રોગચાળાની આ સિઝનમાં દરેક ઘરમાં એક વ્યક્તિ વાયરલ ફીવરથી પીડાતો હોવાનું જણાઈ આવે છે માંદગીના વાયરા વચ્ચે કચ્છમાં ચાલુ વર્ષે અત્યારસુધીમાં ચિકનગુનિયાના લક્ષણો ધરાવતા 162 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવતા 28 પોઝીટીવ કેસ આવ્યા છે.ચાલુ સપ્તાહમાં પણ 13 ટેસ્ટ કરવામાં આવ્યા છે.ગત વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમા માત્ર 10 જ નમૂના લેવામાં આવ્યા હતા.
ચાલુ સીઝનમાં સ્વાઇનફ્લુનો પ્રથમ કેસ નખત્રાણામાં નોંધાઇ ગયો
હાલ રાજ્યમાં ફરીએકવાર સ્વાઇનફ્લુએ માથું ઊંચક્યું છે કોરોના અને સ્વાઇનફલુના લક્ષણો સમાન છે ત્યારે ચાલુ સીઝનમાં કચ્છમાં પણ આ બીમારીએ દેખા દઈ દીધી છે.એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.જીતેશ ખોરાસિયાએ જણાવ્યું કે,ચાલુ વર્ષ દરમ્યાન સ્વાઇનફ્લુનો પ્રથમ કેસ નખત્રાણામાં નોંધાયો હતો.અઠવાડિયા અગાઉ નખત્રાણામાં કેસ આવ્યો હતો.હાલે જિલ્લામાં પરિસ્થિતિ નિયંત્રણ
હેઠળ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
હાઉસ ટુ હાઉસ અભિયાનમાં 2471 ખાડા-ખાબોચિયામાં માટીનું પુરાણ કરાયું
રોગ અટકાયતી પગલાં લેવા માટે મેલેરિયા વિભાગ દ્વારા પ્રથમ રાઉન્ડ- તા.21 માર્ચ થી તા.1 એપ્રિલ દરમ્યાન કરવામાં આવ્યો જેમાં 98 % વસ્તીને આવરી લેવાઈ હતી. બીજો રાઉન્ડ તા.18 એપ્રિલ થી તા.29 એપ્રિલ દરમ્યાન થયો જેમાં 99.04 % વસ્તીને આવરી લેવાઈ હતી. ત્રીજા રાઉન્ડના તા.11/7 થી તા.20/7 દરમ્યાન 89.06 % વસ્તી કવર કરવામાં આવી હતી. હાઉસ ટુ હાઉસ અભિયાન દરમ્યાન 2471 ખાડા ખાબોચીયામાં માટી પુરાણ કરાવી તથા જ્યાં જરૂરિયાત જણાઇ ત્યાં લાર્વીસાઈડના ઉપયોગથી મચ્છર ઉત્પતિ સ્થાનો નાબુદ કરવામાં આવેલ તથા 103 ઘરોમાં ફોગીંગ કરાયું છે.
જંતુનાશક દવા છંટકાવનો બીજો રાઉન્ડ ચાલુ માસથી શરૂ
વર્ષ 2022 દરમ્યાન જીલ્લાના 69 ગામની 56457ની વસ્તીને જંતુનાશક દવા છંટકાવના નિયત 2 રાઉન્ડ હેઠળ આવરી લેવામાં આવશે. જે પૈકી પ્રથમ રાઉન્ડની કામગીરી પૂર્ણ થઈ છે અને બીજા રાઉન્ડની કામગીરી 1 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે.
તાવના સર્વેલન્સ માટે 8 વેકટર કન્ટ્રોલ ટીમ
દરમ્યાન ચાલુવર્ષે ટ્રાન્સમીશન સીઝન દરમ્યાન સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં તાવ સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીના સઘન અમલીકરણ માટે 8 વેક્ટર કંટ્રોલ ટીમની ફાળવણી કરવામાં આવી છે.
27 પોરાભક્ષક માછલી કેન્દ્ર
વર્ષ 2022 દરમ્યાન વાહકજન્ય રોગોના જૈવિક નિયંત્રણ માટે જીલ્લામાં કુલ 27 પોરાભક્ષક માછલી કેન્દ્રો કાર્યાન્વિત કરવામાં આવ્યા છે.
Leave a Reply