– તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે પેલોસીની મુલાકાત
– પેલોસીની રાષ્ટ્રપતિ ભવનમાં ત્સાઈ ઈંગ-વેન સાથેની બેઠકનું ગોપનીયતાના મુદ્દાને દૂર રાખીને સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું જે નવાઈની વાત કહી શકાય
અમેરિકી સ્પીકર નેન્સી પેલોસી આજે સવારે તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ અનેક હાઈ પ્રોફાઈલ બેઠકોની યાદી નિર્ધારિત છે. પેલોસી તાઈવાનના સૌથી મોટી સેમીકંડક્ટર નિર્માતા કંપની TSMCના ચેરમેન Mark Liuને પણ મળશે. TSMC અમેરિકામાં પણ સેમી કંડક્ટરની એક વિશાળ ફેક્ટરી લગાવવા જઈ રહ્યું છે. તાઈવાનમાં નેન્સીની આ પ્રકારની બેઠકોના કારણે ચીન વધુ ઉશ્કેરાશે તે નિશ્ચિત જ છે.
મિત્રતા માટે આવ્યા છીએઃ પેલોસી
યુએસ હાઉસ સ્પીકરે તાઈવાન પહોંચીને જણાવ્યું કે, ‘તાઈવાનના સારા મિત્ર’ તરીકે સંબોધિત કરીને સન્માનિત કરવામાં આવે તે તેમના માટે ગર્વની વાત છે. આ સ્વ-શાસિત દ્વીપ તાઈવાનની યાત્રા પાછળ તેમના 3 મુખ્ય ઉદ્દેશ્ય છે.
1. પહેલું સુરક્ષા, અમારા લોકો માટે સુરક્ષા અને વૈશ્વિક સુરક્ષા
2. બીજું અર્થતંત્ર, મહત્તમ સમૃદ્ધિ ફેલાવવી
3. ત્રીજું શાસન.
પેલોસીએ તાઈવાનના ડેપ્યુટી સ્પીકર સાથેની વાતચીત બાદ આ નિવેદન આપ્યું હતું. અમેરિકી પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીએ તેમનું પ્રતિનિધિ મંડળ ‘ક્ષેત્રની શાંતિ’ માટે તાઈવાન પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ નેન્સી પેલોસી તાઈવાનની યાત્રા કરનારા છેલ્લા 25 વર્ષના સૌથી ઉચ્ચ સ્તરના અમેરિકી અધિકારી બની ગયા છે.
બેઠકનું સીધું પ્રસારણ
સાંસદો સાથેની બેઠક બાદ અમેરિકી સ્પીકર પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈની રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે મુલાકાત લીધી હતી. ગોપનીયતાના મુદ્દાને દૂર રાખીને આ બેઠકનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું જે નવાઈની વાત કહી શકાય.
પેલોસીએ પોતે આંતર સંસદીય સહયોગ તથા સંવાદ વધારવા ઈચ્છે છે તથા આ માટે તાઈવાન સાથે વિશિષ્ટરૂપે કામ કરવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ચીન સાથેની પ્રતિસ્પર્ધાના કારણે અમેરિકી ચિપ ઉદ્યોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી નવો અમેરિકી કાયદો યુએસ-તાઈવાન આર્થિક સહયોગ માટે વધુ અવસર પ્રદાન કરે છે.
લેખમાં તાઈવાનની યાત્રાના ઉદ્દેશ્ય સાથે ચીનને ચેતવણી આપી
પેલોસીએ તાઈવાન પહોંચ્યા બાદ વોશિંગટન પોસ્ટમાં એક લેખ લખ્યો હતો. પેલોસીએ તે લેખને ‘શા માટે હું તાઈવાન માટે અમેરિકી કોંગ્રેસનલ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહી છું?’ એવું શીર્ષક આપ્યું છે. તેમણે લખ્યું છે કે, 43 વર્ષ પહેલા અમેરિકી કોંગ્રેસે તાઈવાન રિલેશન એક્ટ પાસ કર્યો હતો. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે તેના પર હસ્તાક્ષર કર્યા હતા.
તાઈવાન રિલેશન એક્ટ એશિયા પેસિફિકમાં અમેરિકી વિદેશ નીતિનો મહત્વનો સ્તંભ છે. આ એક્ટ તાઈવાનની લોકશાહી પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતાને સ્થાયિત્વ આપે છે. આ એક્ટ દ્વારા અમે તાઈવાન સાથેના આર્થિક તથા રાજદ્વારી સંબંધોને આગળ વધારીએ છીએ.
તાઈવાનની સુરક્ષા માટે અમેરિકા પ્રતિબદ્ધ
પેલોસીએ લખ્યું છે કે, અમેરિકા તાઈવાનની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. જો તાઈવાનના ભવિષ્યને એકતરફી રીતે અને બળજબરીપૂર્વક બદલવામાં આવશે તો તે વેસ્ટર્ન પેસિફિક માટે જોખમી બનશે. તે અમેરિકા માટે ચિંતાજનક બનશે.
અમેરિકાએ ફરી એક વખત પોતાના આ સંપર્કને યાદ કરવો જોઈએ. તાજેતરના વર્ષોમાં ચીને તાઈવાન સાથેના તણાવને નાટકીયરૂપે વધાર્યો છે. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાએ સતત પોતાના ફાઈટર જેટ, પેટ્રોલ બોમ્બર્સ તથા સર્વેલન્સ એરક્રાફ્ટને તાઈવાનના હવાઈ ક્ષેત્રોમાં મોકલ્યા છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયના મતે ચીન તાઈવાનને પોતાનામાં સમાવી લેવા પ્રયત્ન કરી રહ્યું છે. ચીને તાઈવાનના સાઈબર સ્પેસને પણ ટાર્ગેટ કર્યું છે. ચીન દરરોજ તાઈવાનની સરકારી એજન્સીઓ પર હુમલો કરે છે.
Leave a Reply