– પર્યાવરણના જતનની સાથે રોજગારી સર્જનનો અભિગમ
અદાણી ફાઉન્ડેશન અને GUIDE ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી. મુંદ્રા નજીક લુણી ખાતે મેન્ગ્રોવનું પ્લાન્ટેશન કરી લોકોને તેના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા. સાતમા વિશ્વ મેન્ગ્રોવ દિનની ઉજવણી પ્રસંગે લોકોએ મેન્ગ્રોવની જાળવણી અને સંવર્ધન કરવાનો સંકલ્પ લીધો. છેલ્લા એક દાયકામાં કરાયેલા સઘન પ્રયાસોને કારણે મેન્ગ્રોવના જંગલોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
આ પ્રસંગે GUIDE (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી) માંથી ઉપસ્થિત રહેલા ડૉ. જયકુમારે માનવ જીવન અને પર્યાવરણ માટે મેન્ગ્રોવનું મહત્વ સમજાવી તેના સરક્ષણ અને માવજત વિશે સામુહિક જવાબદારીની સમજણ આપી હતી. તેમણે અદાણી ફાઉન્ડેશન દ્વારા લૂણી ખાતે 162 હેકટર વિસ્તારમાં કરાયેલી પ્લાન્ટેશનની કામગીરીને ભારોભાર બિરદાવી હતી. માછીમાર સમુદાયના આગેવાન યાકુબભાઇએ જણાવ્યું કે “છેલ્લા 10વર્ષથી માછીમારીની બંધ સીઝનમાં કરાવવામાં આવતું મેન્ગ્રોવ પ્લાન્ટેશન અને માવજતની કારગીરી પર્યાવરણના જતનની સાથે અમને રોજગારી પણ પુરી પાડે છે”.
સમુદ્રકાંઠે જોવા મળતી વનસ્પતિ મેન્ગ્રોવ ગુજરાતમાં ચેરીયા કે ચેર તરીકે ઓળખાય છે. ચેરના વૃક્ષને સુંદરવનનું સુંદરીવૃક્ષ પણ કહે છે. દેશમાં મહત્વના મેન્ગ્રોવ જંગલોમાં કચ્છના અખાતના જંગલોનો પણ સમાવેશ થાય છે. અસાધારણ લાક્ષણિકતાઓને કારણે ચેર દરિયાઈ જીવો અને સમુદ્રકિનારે વસતા સમુદાયો માટે આજીવિકા અને પોષણ કડીરૂપ છે. ભારત વિશ્વના કુલ મેન્ગ્રોવના જંગલ વિસ્તાર પૈકી 4,975 ચોરસ કિલોમીટર એટલે કે લગભગ 15% વિસ્તાર ધરાવે છે.
આ કાર્યક્રમમાં 200થી વધુ લોકોએ મેન્ગ્રોવ પ્લાન્ટેશન કરી ઉજવણી કરી હતી. કાર્યક્રમનું સંચાલન અદાણી ફાઉંડેશનના રાધુ ગોયલ દ્વારા કરવામા આવ્યું હતુ. રાજ્યમાં બહુઆયામી પ્રયાસોને પરિણામે 1,177 ચો.કિ.મી. વિસ્તારમાં ચેરના લીલાછમ વૃક્ષો જોવા મળે છે જે દેશના તમામ રાજ્યોમાં બીજા ક્રમે છે. આપણે ત્યાં 15 જેટલી વિવિધ પ્રજાતિના મેન્ગ્રોવના વૃક્ષો જોવા મળે છે.
UNESCO દ્વારા દર વર્ષે 26 જુલાઈના રોજ ‘વિશ્વ મેન્ગ્રોવ દિન’ની વિશ્વવ્યાપી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘વિશ્વ મેન્ગ્રોવ દિન’ની ઉજવણીનો મુખ્ય હેતુ મેન્ગ્રોવના જંગલોની ઉપયોગિતા અને અનિવાર્યતા વિશે પ્રચાર-પ્રસાર થકી લોક જાગૃતિ થકી તેના સંરક્ષણ અને સંવર્ધનનો છે. એટલું જ નહી, માનવજાતને સતત એ યાદ અપાવવાનો છે કે તેના અસ્તિત્વ માટે મેન્ગ્રોવનું અસ્તિત્વ ટકાવવું ખૂબ જરૂરી છે.
Leave a Reply