– આગેવાન કંપનીઓના નફામાં વૃદ્ધિની સાનુકૂળ અસર
– વિદેશી રોકાણકારો દ્વારા રૂ. 1638 કરોડની ખરીદી : સ્મોલ- મિડકેપ શેરોમાં વધતું આકર્ષણ
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકામાં મંદીની શક્યતા નકારવાની સાથે અપેક્ષિત એવો ૦.૭૫ ટકાનો હળવો વ્યાજદર વધારો કરવા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેટળ નવી લેવાલી પાછળ સેન્સેક્સમાં ૧૦૪૧ અને નિફ્ટીમાં ૨૮૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આજે રોકાણકારોની સંપત્તિમાં રૂા. ૩.૩૯ લાખ કરોડનો વધારો થયો હતો.
ફેડરલ રિઝર્વની ગઈકાલે મળેલી બેઠકમાં હળવી નાણાંનીતિ અપનાવાઈ હતી અને ૦.૭૫ ટકાનો અપેક્ષિત વ્યાજદર વધારો કરાયો હતો. આ ઉપરાંત ફેડરલના ચેરમેને મંદીની શક્યતા નકારી દેતા ત્યાંના શેરબજારમાં ઉછાળા નોંધાયા હતા જેની આજે સાનુકૂળ અસર થવા પામી હતી.
આ ઉપરાંત દસ માસ બાદ વિદેશી રોકાણકારો ફરી એકવાર ભારતીય શેરબજાર તરફ વળતા તેની પણ સાનુકૂ અસર જોવાઈ હતી આ ઉપરાંત જૂન ત્રિમાસિક કોર્પોરેટ પરિણામની સિઝનમાં આગેવાન કંપનીઓના નફામાં વૃદ્ધિના અહેવાલોની પણ બજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી.
આ અહેવાલો પાછળ આજે ફંડોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલી પાછળ સેન્સેક્સ ૧૦૪૧.૪૭ પોઇન્ટ ઉછળીને ૫૬૮૫૭.૭૯ અને નિફ્ટી ૨૮૭.૮૦ પોઇન્ટ ઉછળીને ૧૬૯૨૯.૬૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂા. ૩.૩૯ લાખ કરોડનો વધારો થતા અંતે રૂા. ૨૬૩.૧૦ લાખ કરોડ રહ્યુંં હતું આજે વિદેશી રોકાણકારોએ રૂા. ૧૬૩૮ કરોડ અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા ૬૦૦ કરોડની નવી લેવાલી હાથ ધરાઈ હતી. આજે હેવીવેઇટ શેરોની સાથે સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પણ નવી લેવાલી નીકળી હતી.
સેન્સેક્સમાં ઉછાળાના મુખ્ય કારણો
– ફેડરલ રિઝર્વે આકરી નીતિ છોડી વ્યાજ દરમાં ૦.૭૫ ટકાનો વધારો અપેક્ષિત રહેતા રાહતની લાગણી
– ફેડરલના ચેરમેન પોવેલ દ્વારા અમેરિકામાં મંદીની શક્યતા નથી. તેવા નિવેદન પાછળ અમેરિકા સહિત અન્ય બજારો ઉંચકાયા.
– હાલ જાહેર થઈ રહેલા કોર્પોરેટ પરિણામોમાં ૨૩૧ જેટલી કંપનીઓનો નફો વાર્ષિક ધોરણે ૨૦ ટકા વધતા બજાર પર સાનુકૂળ અસર.
– જુલાઈ માસમાં દસ માસ પછી વિદેશી રોકાણકારોએ નવી લેવાલી હાથ ધરતા રાહત
– સરકારની નવી મૂડીરોકાણ યોજનાની સાનુકૂળ અસર.
Leave a Reply