ભારતીય મહિલાઓનું આર્થિક ક્ષેત્રે યોગદાન વધી રહ્યુ છે. કોટક બેન્ક અને હુરુન ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટ મુજબ ભારતની ટોચની 100 મહિલા ધનકુબેરોની સંપત્તિ વર્ષ 2021માં 53% વધીને રૂ. 4.17 લાખ કરોડે પહોંચી છે, જે વર્ષ 2020માં રૂ. 2.72 લાખ કરોડ હતી. આ મહિલાઓની સંપત્તિ ભારતની કુલ જીડીપીમાં બે ટકા યોગદાન આપે છે.
કોટક પ્રાઇવેટ બેન્કિંગ હુરુન લિડિંગ વેલ્થી વુમેન લિસ્ટ – 2021ની યાદી મુજબ સતત બીજા વર્ષે રૂ. 84,330 કરોડની સંપત્તિ સાથે એચસીએલ ટેક્નોલોજીના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા પ્રથમ ક્રમે રહ્યા છે અને તેમની સંપત્તિ એક વર્ષમાં 54 ટકા વધી છે.
તો નાયકા કંપનીના માલિક ફાલ્ગુની નાયરની સંપત્તિ વર્ષ દરમિયાન 963 ટકા વધીને રૂ. 57520 કરોડ થતા તેમણ કિરણ બાયોકોન કંપનીના કિરણ મજૂમદારને પાછળ છોડીને આ યાદીમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. ઉપરાંત ભારતની સેલ્ફ મેડ વુમન એટલે કે જાત મહેનતે બિઝનેસ ઉભો કરનાર ધનિક મહિલા ઉદ્યોગસાહસિકોની યાદીમાં તેઓ પ્રથમ ક્રમે છે. કિરણ મજૂમદાનની સંપત્તિ વિતેલ વર્ષમાં 21 ટકા ઘટવા છતાં તેઓ રૂ. 29030 કરોડની સંપત્તિ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે.
રિપોર્ટ મુજબ ટોચની 100 બિઝનેસ વુમન લીડર્સની યાદીમાં 25%થી વધુ નવી એન્ટ્રીઓ જોવા મળી છે. રસપ્રદ વાત એ પણ છે કે ટોચની મહિલા ધનકુબેરોની યાદીમાં એન્ટ્રીનું કટઓફ રૂ. 300 કરોડ એ પહોંચ્યું છે જે ગત વર્ષે રૂ. 100 કરોડ હતુ.
આ યાદીમાં 4 યુનિકોર્નની સ્થાપના કરનાર મહિલાઓએ પણ સ્થાન મેળવ્યું છે. આ સિવાય 3 પ્રોફ્રેશનલ મેનજર્સ પણ લિસ્ટમાં શામેલ થઈ છે જેમની સંપત્તિ રૂ. 5040 કરોડ છે. પેપ્સીકોના ઈન્દ્રા નૂઈ 66 વર્ષની ઉંમરે સૌથી ધનાઢ્ય પ્રોફેશનલ મેનજર્સ છે. ઈન્ડસ્ટ્રી પ્રમાણે વાત કરીએ તો ફાર્મા સેક્ટરથી 12 નવી એન્ટ્રીઓ જોવા મળી છે જ્યારે હેલ્થકેર સેક્ટરમાંથી 11 અને કન્ઝયુમર ગુડ્સ સેક્ટરમાંથી 9 મહિલાઓ આ યાદીમાં શામેલ છે.
આ રિપોર્ટની સૌથી કડવી વાસ્તવિકતા એ છે કે સેલ્ફ મેડ વુમનની યાદીમાં એક પણ ગુજરાતી મહિલાએ સ્થાન મેળવ્યુ નથી. દેશના ટોચના 100 ધનિક મહિલાઓની યાદીમાં એસ્ટ્રલ પોલીના જાગૃતિ સંદિપ એન્જિનિયર રૂ. 3830 કરોડની સંપત્તિ સાથે 17મા ક્રમે છે અને સુરતના અનુપમ રસાયણના મોના દેસાઈ 81મા સ્થાને છે. ન્યૂ એન્ટરન્સમાં શામેલ દેસાઈની સંપત્તિ રૂ.450 કરોડ રૂપિયા છે. જોકે આ બંને મહિલાઓ સેલ્ફ મેડ વુમન નથી.
ભૌગોલિક દ્રષ્ટિએ જોયે તો આ ટોપ-100ની યાદીમાં દિલ્હી- એનસીઆરની સૌથી વધુ 25 મહિલાઓએ સ્થાન મેળવ્યુ છે. ત્યારબાદ મુંબઇની 21 અને હૈદારબાદની 12 મહિલાઓનો સમાવેશ થાય છે.
દેશની ટોપ-5 મહિલા ધનકુબેરોની યાદી
ક્રમ | નામ | સંપત્તિ | વધ-ઘટ | કંપની |
1 | રોશની નાદાર | રૂ. 84330 | +54 ટકા | HCL ટેકનો |
2 | ફાલ્ગુની નાયર | રૂ. 57520 | +963 ટકા | નાયકા |
3 | કિરણ મજૂમદાર | રૂ. 29030 | -21 ટકા | બાયોકોન |
4 | નીલિમા મોટાપાર્ટી | રૂ. 28180 | +51 ટકા | ડિવિસ લેબ |
5 | રાધા વેમ્બૂ | રૂ. 26260 | +127 ટકા | ઝોહો |
Leave a Reply