ભારતમાં સોનાની ત્રિમાસિક માંગ 43% વધી જ્યારે વૈશ્વિક સ્તરે 8% ઘટી

ભારતીયોનો સોના પ્રત્યેનો મોહ જગજાહેર છે. આર્થિક મંદી અને મોંઘવારીના ભણકારા, કિંમતી ધાતુઓના ભાવ ઉંચા હોવા છતાં પણ ભારતીયો દ્વારા સોનાની ખરીદીમાં સતત વધારો થઇ રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના આંકડા મુજબ એપ્રિલથી જૂન ત્રિમાસિક દરમિયાન ભારતમાં સોનાની માંગ વાર્ષિક તુલનાએ 43 ટકા વધીને 170.7 ટન નોંધાઇ છે, જ્યારે વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિકમાં સોનાની માંગ 119.6 ટન રહી હતી.

સોનાની ખરીદી પાછળ ખર્ચ્યા રૂ. 79270 કરોડ :-

મૂલ્યની રીતે ભારતમાં સોનાની માંગ વર્ષ 2021ના જૂન ક્વાર્ટરના રૂ. 51,540 કરોડની તુલનાએ ચાલુ વર્ષે સમાન ત્રિમાસિકમાં 54 ટકા વધીને રૂ. 79,270 કરોડ રહી છે.

સોનાના દાગીનાનું વેચાણ 49 ટકા વધ્યુ :-

એપ્રિલ મહિનામાં આવતી અખાત્રીજની પરંપરાગત ખરીદીને પગલે જૂન ક્વાર્ટરમાં સોનાના દાગીનાની ખરીદી વાર્ષિક તુલનાએ 49 ટકા વધીને 140.3 ટન રહી છે. આ વૃદ્ધિ વર્ષ પૂર્વેની લો-બેઝ ઇફેક્ટને પણ આભારી છે જે સમયે કોરોના મહામારીની ભયંકર બીજી લહેરને કારણે માંગ ગંભીર રીતે ઘટી ગઇ હતી એવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના રિજનલ સીઇઓ સોમસુંદરમ્ પીઆર એ જણાવ્યુ છે. જૂન ક્વાર્ટર 2021માં સોનાના દાગીનાની કુલ માંગ 94 ટન હતી.

સમીક્ષાધીન ત્રિમાસિક ગાળામાં ગોલ્ડ જ્વેલરીની માંગનું મૂલ્ય 60 ટકા વધીને રૂ. 65,140 કરોડ થયું છે, જે એક વર્ષ અગાઉ રૂ. 40,610 કરોડ હતું.  

સોનાની રોકાણલક્ષી માંગ 20 ટકા વધી :-

જૂન ક્વાર્ટરમાં સોનાની રોકાણલક્ષી માંગ 20 ટકા વધીને 30.4 ટન થઇ છે, જે મૂલ્યની દ્રષ્ટિએ વર્ષ પૂર્વેના સમાન સમયગાળાના રૂ. 10,930 કરોડની સરખામણીએ 29 ટકા વધીને રૂ. 14,140 કરોડ નોંધાઇ છે.

સોનાનું રિસાઇકલિંગ 18 ટકા વધ્યુ :-

બીજા ત્રિમાસિક દરમિયાન ભારતમાં સોનાનું રિસાઇકલિંગ 18 ટકા વધીને 23.3 ટન થયું છે, જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 19.7 ટન સોનું રિસાઇકલ થયુ હતું.

સોનાની આયાત 34 ટકા વધી :-

જૂન ક્વાર્ટરમાં સોનાની કુલ આયાત 34 ટકા વધીને 170 ટન રહી છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં 131.6 ટનની હતી. કાઉન્સિલે જણાવ્યુ કે, માંગમાં સામાન્ય રિકવરી હોવા છતાં ભારતનું બુલિયન માર્કેટ કેટલાક મૂળભૂત માળખાકીય સુધારાઓ જેવાં કે ફરજિયાત હોલમાર્કિંગ અને એક્સચેન્જ ટ્રેડિંગના પગલે બદલાઈ રહ્યું છે.

વર્ષ 2022માં સોનાની માંગ 800થી 850 ટન રહેશે :-

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કેલેન્ડર વર્ષ 2022માં સોનાની કુલ માંગ 800થી 850 ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. જો કે ફુગાવો, સોનાના ભાવ, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અને નીતિગત પગલાંઓ જેવા પરિબળો રોકાણકારોની માનસિકતાને પ્રભાવિત કરી શકે છે. વર્ષ 2021માં કિંમતી પીળી ધાતુની કુલ માંગ 797 ટન રહી હતી. કેલેન્ડર વર્ષ 2022માં જાન્યુઆરીથી જૂનના પ્રથમ છ માસિકગાળામાં સોનાની કુલ માંગ 43 ટકા વધીને 306.2 ટન નોંધાઇ છે.

ચાલુ છ માસિકગાળામાં દાગીનાની માંગ ઘટશે :- 

કાઉન્સિલે ચાલુ વર્ષના બીજા છ માસિકગાળામાં સોનાના દાગીનાની માંગ ઘટવાની આશંકા વ્યક્ત કરી છે જેનું કારણ ઉંચી આયાત જકાત, મોંઘવારી, આર્થિક અનિશ્ચિતતા અને કિંમતી ધાતુના ઉંચા ભાવ છે.

સોનાની વૈશ્વિક માંગ 8 ટકા ઘટી :-

સમગ્ર વિશ્વમાં એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન સોનાની કુલ માંગ વાર્ષિક તુલનાએ 8 ટકા ઘટીને 948 ટન નોંધાઇ છે. આ સાથે કેલેન્ડર વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં પીળી કિંમતી ધાતુની માંગ 12 ટકા વધીને 2189 ટન રહી છે. ચીનની માંગ ઘટવાની અસરે સોનાની લગડી અને સિક્કાઓની માંગ 245 ટન રહી છે જો કે તે પ્રથમ છ મહિનામાં 12 ટકા ઘટીને 526 ટન થઇ છે. સોનાના દાગીનાની માંગ જૂન ક્વાર્ટરમાં 4 ટકા વધીને 453 ટન અને પ્રથમ છ માસિકગાળામાં 2 ટકા ઘટીને 928 ટન નોંધાઇ છે. દુનિયાભરની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની ખરીદી સતત ચાલુ રહી છે. જૂન ક્વાર્ટરમાં વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કોએ 180 ટન અને પ્રથમ છ મહિનામાં 270 ટન સોનું ખરીદ્યુ છે.  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: