– જી.કે.જન અદાણી હોસ્પિ માં ગરીબોને અપાતી રાજય સરકારની સહાય અંગે વિધાનસભા સા.શૈ.પછાત વર્ગની કલ્યાણ સમિતિએ સંતોષ વ્યકત કર્યો
કચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ પ્રથમ ચરણમાં અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલની જાત માહિતી લઇ, જુદા જુદા વિભાગની મુલાકાતના અંતે સમિતિના પ્રમુખશ્રી અને ધારાસભ્ય શંભુજી ઠાકોરે હોસ્પિટલમાં માં-કાર્ડ, આયુષ્યમાન કાર્ડ ઉપરાંત ગરીબોને અપાતી રાજય સરકારની યોજના અંગે સંતોષ વ્યકત કર્યો હતો.
હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હોસ્પિટલમાં અપાતી રાજય સરકારની વિવિધ સહાયલક્ષી યોજના અંગે વિગતો મેળવવા આવેલી કમિટિના પ્રમુખશ્રી શંભુજી ઠાકોરે વધુમાં કહયું કે, ભુજની અદાણી હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફથી માંડીને તબીબોએ કોરોના જેવી મહામારીમાં કરેલી સારવાર અત્યંત સંતોષકારક રહી હતી. સમિતિના અન્ય સભ્યોએ ઈમર્જન્સી, રેડિયોલોજી સહિતના જુદા જુદા વિભાગની મુલાકાત લઇ હોસ્પિટલની કામગીરીથી પ્રભાવિત થયા હતા.
હોસ્પિટલની મુલાકાતે આવનાર અન્ય સભ્યોમાં સમિતિના સભ્યો અને ધારાસભ્યો સર્વશ્રી રઘુભાઇ દેસાઇ, ઠાકોર ગેનીબેન, ઠાકોર અજમલજી, રાજેન્દ્રસિંહ ઠાકોર, પુરૂષોત્તમ સાબરિયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદ રાણા અને ભરતભાઇ પટેલનો સમાવેશ થાય છે.
સમિતિના પ્રમુખશ્રી શંભુજી ઠાકોર તેમજ અન્ય સભ્યોએ હોસ્પિટલમાં રોજેરોજની ઓ.પી.ડી., રેડિયોલોજી, કુપોષિત બાળકો, ટી.બી.ના દર્દીઓ અને હાલમાં કોરોનાની પરિસ્થિતિ અને હોસ્પિટલની સર્વાંગી કામગીરી અંગે જાણવા માંગેલી માહિતી સંદર્ભે જી.કે.જનરલના મેડિકલ ડાયરેકટર ડો.બાલાજી પિલ્લઇ, ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી તેમજ સિવિલ સર્જન ડો.કશ્યપ બુચે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે સભ્યો અને જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રહયા હતા.
Leave a Reply