– 10 તાલુકાઓના કુલ 430 ગામોમાં 30926 ગાય-ભેંસ વર્ગના પશુઓમાં ચર્મરોગના લક્ષણો
– ચેપ ફેલાતો અટકાવવા 99787 નિરોગી પશુઓનું રસીકરણ કરાયું
કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના કૈયારી ગામમાં 23મી અેપ્રિલે ગાય સંવર્ગના પશુઅોમાં લમ્પી નામના ચર્મરોગનો પ્રથમ કેસ નોંધાયો હતો. પરંતુ, કચ્છ જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરીઅે માત્ર તેમની કચેરીઅે નોંધાયેલા માલિકીના ઢોર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેથી રખડતા અને બિન નોંધાયેલા પશુઅોની શું સ્થિતિ છે અેનાથી અજાણ હતા. બીજી બાજુ 1લી જુલાઈથી ભુજ શહેરમાં દરરોજના 50થી 60 ગાૈવંશના મોત થવા લાગ્યા હતા.
જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા બાદ પણ તંત્રઅે સ્થિતિ સુધારાવામાં હોવાનું ગાણું ગાયું હતું. જોકે, સંકલનની બેઠકમાં લોક પ્રતિનિધિઅોઅે અાડે હાથ લીધા બાદ જિલ્લા પંચાયત જાગી હતી અને ગ્રામ પંચાયતોને ગામમાં ઢોરોની સ્થિતિ દર્શાવતો રજિસ્ટર નિભાવવા પરિપત્ર બહાર પાડ્યો હતો. જે બાદ હવે જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરીઅે કબૂલ્યું છે કે, 10 તાલુકાઓના કુલ 430 ગામોમાં 30926 ગાય-ભેંસ વર્ગના પશુઓમાં ચર્મરોગના લક્ષણો જણાયા છે અને લમ્પીથી 821 ગાૈવંશના મોત સરકારી ચોપડે ચડ્યા છે!
માહિતી ખાતા મારફતે સ્થિતિ સ્પષ્ટ કરતા તંત્રઅે જણાવ્યું છે કે, જિલ્લામાં અત્યાર સુધી 99787 પશુઓમાં રસીકરણ કરવામાં આવેલું છે, જેમાં પશુપાલન ખાતુ અને જિલ્લા પંચાયત સ્વભંડોળ ઉપરાંત સ્થાનિક સ્વૈછિક સંસ્થાઓ દ્વારા પણ સહાય આપવામાં આવેલી છે.
હાલમાં જિલ્લા પશુપાલનના 15 પશુચિકિત્સા અધિકારીઓ, 28 પશુધન નિરિક્ષકો અને 24 આઉટસોર્સ્ડ પશુચિકિત્સક વાહનો સાથે, ડેરી સંઘ તથા સ્થાનિક સ્વૈછિક સંસ્થાઓના સહયોગથી રોગના સઘન સર્વે, સારવાર, રસીકરણની કામગીરી પ્રગતિમાં છે.
વિશેષ પરિસ્થિતિને ધ્યાને લઈ સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં વધારાના 10 પશુધન નિરિક્ષક અને 33 આઉટસોર્સડ પશુચિકિત્સકોને વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં અાવ્યા છે.
ગાંધીનગરથી રાજ્યના પશુપાલન નિયામક ધસી અાવ્યા
ગાંધીનગરથી ગુજરાત રાજ્યના પશુપાલન નિયામક દ્વારા કચ્છ જિલ્લાની રુબરુ મુલાકાત લઈ જિલ્લા વહિવટી તંત્ર સાથે બેઠક કરી કામગીરી અર્થે જરૂરી સમન્વય કરવામાં અાવ્યું છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીઓ તથા ગ્રામપંચાયતોને રોગ બાબતે સર્વે, સારવાર, રસીકરણ તથા રોગગ્રસ્ત પશુઓને અલગ રાખવાની કામગીરીમાં જરૂરી સહકાર આપવા સૂચના આપેલી છે તથા રોગગ્રસ્ત પશુ મૃતદેહ નિકાલ યોગ્ય રીતે કરવા ગ્રામપંચાયતને જવાબદારી સોંપવામા આવેલી છે.
રોગીષ્ટ પશુને તાત્કાલિક અલગ તારવવા સૂચના
રોગીષ્ટ પશુને તાત્કાલિક અલગ કરવા અને પશુઓના રહેઠાણના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અને પશુમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને ખોરાક જળવાઇ રહે તે માટે પશુચિકિત્સકની સલાહ મુજબ ઘરગથ્થુ માવજત કરવા સલાહ છે. સાથોસાથ અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની સરકારની કામગીરીમાં સાથ અને સહકાર આપવા અનુરોધ છે.
15 દિવસમાં તમામ બિનઅસરગ્રસ્ત પશુઅોનું થશે રસીકરણ
હાલ અગ્રતાના ધોરણે જિલ્લાની ગૌશાળા, પાંજળાપોળમાં રસીકરણ તથા સારવાર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી 15 દિવસમાં જિલ્લાના તમામ બિનઅસરગ્રસ્ત પશુઓમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.
પશુપાલકો 1962 ટોલ ફ્રી નંબર પણ જાણ કરે
તમામ પશુપાલકોને પશુમાં આ રોગના ચિન્હો દેખાય કે તરત પશુના સારવાર અને રસીકરણ માટે ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરવો અથવા જિલ્લાના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું છે.
ચર્મરોગને કાબૂમાં લેવા નોડલ અધિકારી કાર્યરત
કચ્છ જિલ્લામાં લમ્પી ચર્મરોગને કાબૂમાં લેવા માટે તાલુકા કક્ષાઅે નોડલ અધિકારી કાર્યરત કરાયા છે, જેમાં ભુજ તાલુકામાં ડો. ડી.જે. ઠાકોર 9427003110, નખત્રાણા અને લખપત તાલુકામાં ડો. અાર. યુ. ચાૈધરી 9925541982, અબડાસા તાલુકામાં ડો. મહેન્દ્રસિંહ ચાૈહાણ 6353118141, માંડવી અને મુન્દ્રા તાલુકામાં ડો. વી.ડી. રામાણી 9879121359, અંજાર અને ગાંધીધામ તાલુકામાં ડો. ગિરીશ પરમાર 9825591473, રાપર અને ભચાઉ તાલુકામાં ડો. નીલેશ પટેલ 9925327785ની નિમણૂક કરવામાં અાવી છે. જિલ્લા નોડલ અધિકારી તરીકે ડો. અેચ.અેમ. ઠક્કર 9426714919, સહ નોડલ અધિકારી તરીકે ડો. અે.અેસ. પરમાર 9909674812 કાર્યરત છે.
Leave a Reply