– અમેરિકા અને તાન્ઝાનિયામાં પણ ગાવસ્કર ગ્રાઉન્ડ આવેલા છે
– ગાવસ્કર સ્ટેડિયમના નામકરણ માટે લેસ્ટર જશે
ભારતના લેજન્ડરી બેટ્સમેન સુનિલ ગાવસ્કરનું નામ લેસ્ટરશાયરના એક ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે જોડવામાં આવશે. આ સાથે ઈંગ્લેન્ડમાં કે યુરોપમાં પહેલીવાર ભારતીય ક્રિકેટરનું નામ ક્રિકેટ સ્ટેડિયમની સાથે જોડાશે. ગાવસ્કર ખુદ આ સ્ટેડિયમના નામકરણ માટે લેસ્ટર જવાના છે. નોંધપાત્ર છે કે, અમેરિકાના કેન્ટુકી અને તાન્ઝાનિયાના ઝાંઝીબારમાં પણ સુનિલ ગાવસ્કર ક્રિકેટ સ્ટેડિયમ આવેલા છે.
૭૩ વર્ષના ગાવસ્કરે કહ્યું કે, લેસ્ટરમાં ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે મારું નામ જોડાવા જઈ રહ્યું છે, તે ગૌરવની વાત છે. લેસ્ટરમાં ભારતીય ક્રિકેટને જબરજસ્ત સમર્થન મળતું હોય છે. લેસ્ટરમાં ભારત સ્પોર્ટસ અને ક્રિકેટ કલબના સ્ટેડિયમને સુનિલ ગાવસ્કર સ્ટેડિયમ નામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
લેસ્ટરના સ્ટેડિયમનું નામ ગાવસ્કર સાથે જોડાવાનો મૂળ વિચાર યુકેના લાંબો કાર્યકાળ ધરાવતા ભારતીય મૂળના સાંસદ કીથ વાઝનો છે. તેમણે કહ્યું કે, અમે ગાવસ્કરનું નામ આ સ્ટેડિયમ સાથે જોડતા ઘણો રોમાંચ અને ગૌરવ અનુભવીએ છીએ. અમારા માટે તે માત્ર લિટલ માસ્ટર નથી, પણ ક્રિકેટની રમતનો ધુરંધર છે.
Leave a Reply