રાજયની વિવિધ ખાનગી શાળાઓમાં લીઝ, રેન્ટ, લોન પરનું વ્યાજ તથા અન્ય સંબંધિત ખર્ચાઓ નામંજૂર કરવાના ફી રેગ્યુલેટરી કમીટીના નિર્ણય સામ જુદી જુદી ખાનગી શાળાઓ તરફથી કરાયેલી સંખ્યાબંધ રિટ અરજીઓના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજે બહુ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો હતો. જસ્ટિસ ભાર્ગવ ડી.કારીઆએ ઠરાવ્યું હતં કે, ફી નિયમન કમીટી ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચાઓ યોગ્ય કે વાજબી કારણ વિના નકારી શકે નહી. હાઇકોર્ટે ખાનગી શાળાઓને એડમીશન ફી, સત્ર ફી, કરીકયુલમ ફી અને ટયુશન ફી તેમ જ વિદ્યાર્થીઓને અપાતી સુવિધા બાબતે ફી વસૂલવાની મંજૂરી આપી હતી. જો કે, હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ ક્રયું હતું કે, ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહી કે, અતિશય વધારે પડતી ફી ઉઘરાવી શકશે નહી. ફી અને સંબંધિત ખર્ચાઓના મુદ્દા નિર્ણિત કરતી વખતે ફી નિયમન કમીટીએ આ બાબત ધ્યાનમાં લેવાની રહેશે.
ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચાઓ ફી કમીટી વાજબી કારણ વિના નકારી શકે નહી, ફરીથી નિર્ણય કરવા આદેશ
હાઇકોર્ટે ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, જો ખાનગી શાળાઓ નફાખોરી કરતી હશે અને કમીટીને પૂરતા અને જરૂરી પુરાવા રજૂ નહી કર્યા હોય તો તેવા સંજોગોમાં ફી રેગ્યુલેટરી કમીટી ખાનગી શાળાઓના લીઝ, રેન્ટ અને સંબંધિત ખર્ચાઓના એલાઉન્સ નામંજૂર કરી શકશે. હાઇકોર્ટે ખાનગી શાળાઓના લીઝ, રેન્ટ સહિતના સંબંધિત ખર્ચાઓ નામંજૂર કરવાના ફી રેગ્યુલેટરી કમીટીના હુકમોને રદબાતલ ઠરાવ્યા હતા અને હાઇકોર્ટના આ નવા નિર્દેશોને ધ્યાનમાં લીધા બાદ નવેસરથી આ તમામ કિસ્સામાં નિર્ણય લેવા હુકમ કર્યો હતો. આ હુકમ સાથે સંબંધિત ખાનગી શાળાઓની મેટર હાઇકોર્ટે ફી નિયમન કમીટીને નિર્ણયાર્થે મોકલી આપી હતી. કમીટીને ૧૨ સપ્તાહમાં નિર્ણય કરવા હાઇકોર્ટે તાકીદ કરી હતી.
હાઇકોર્ટે પોતાના લંબાણપૂર્વકના ચુકાદામાં મહત્વના નિર્દેશો આપતાં જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓ અતિશય વધુ પડતી ફી પણ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી શકશે નહી કે નફાખોરી રળી શકે નહી. ફી રેગ્યુલેટરી કમીટી પૂરતા વેરીફિકેશન કે વાજબી કારણ વિના ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચાઓના કલેઇમ નકારી શકશે નહી, ફી રેગ્યુલેશન કમીટી ખાનગી શાળાઓના લીઝ અને રેન્ટ બાબતે તપાસ કરી શકે પરંતુ ગેરવાજબી રીતે તેનો ખર્ચ નકારી શકે નહી, ખાનગી શાળાઓ એડમીશન ફી, સત્ર ફી, કરિકયુલમ ફી, ટયુશન ફી અને વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે, ભવિષ્યના ડેવલપમેન્ટ માટેની કોસ્ટ પેટે વિદ્યાર્થીઓ પાસેથી ડેવલપમેન્ટ ફી પણ વસૂલી શકશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, ખાનગી શાળાઓએ બેંકમાંથી લીધેલી લોન પરનું વ્યાજ ફી રેગ્યુલેટરી કમીટીએ ધ્યાનમાં લેવું પડે અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માંગી શકે.ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી કરિકયુલમ એકટીવીટી પાછળ કરેલો ખર્ચ ફી માટે ગણી શકે. ખાનગી શાળાઓ મિલકત પરના ઘસારાની બાબતે અલગ કલેઇમ કરી શકશે નહી.
બોક્ષ – શુ છે હાઇકોર્ટના મહત્વના નિર્દેશો…??
– ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહી
– ખાનગી શાળાઓ અતિશય વધુ પડતી ફી પણ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી શકશે નહી
– ફી રેગ્યુલેશન કમીટી પૂરતા વેરીફિકેશન કે વાજબી કારણ વિના ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચાઓના કલેઇમ નકારી શકશે નહી
– ફી રેગ્યુલેશન કમીટી ખાનગી શાળાઓના લીઝ અને રેન્ટ બાબતે તપાસ કરી શકે પરંતુ ગેરવાજબી રીતે તેનો ખર્ચ નકારી શકે નહી
– ખાનગી શાળાઓ એડમીશન ફી, સત્ર ફી, કરિકયુલમ ફી, ટયુશન ફી અને વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે
– ભવિષ્યના ડેવલપમેન્ટ માટેની કોસ્ટ પેટે વિદ્યાર્થીઓ પાસેથી ડેવલપમેન્ટ ફી પણ વસૂલી શકશે
– ખાનગી શાળાઓ વાજબી રીતે સરપ્લસ ફી વસૂલી શકશે
– ફી નિયમન કમીટીએ દરેક શાળાના અલગ-અલગ કેસને ધ્યાનમાં લઇ નિર્ણય લેવાના રહેશે
– ફી નિર્ધારણ કરતી વખતે ફી રેગ્યુલેટરી કમીટીએ ફુગાવાના દરને પણ ધ્યાનમાં લેવાનો રહેશે
– શાળાઓ નફાખોરી નથી કરતી ને અને વધુ પડતી ફી ઉઘરાવતી નથી ને તે બાબત પણ ફી રેગ્યુલેટરી કમીટીએ આ મુદ્દાઓ નિર્ણિત કરતી વખતે ધ્યાનમાં લેવાની રહેશે
Leave a Reply