– ભુજ, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણામાં માર્ગો ભીંજાયા
કચ્છમાં શનિ અને રવિવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે તે પૂર્વે ગુરૂવારે ચાર તાલુકામાં ઝરમર રૂપે મેઘરાજાની હાજરી રહી હતી. દરમિયાન શનિવારે અપાયેલું રેડ એલર્ટ હવામાન વિભાગે હટાવી લીધું છે જ્યારે રવિવાર માટે યથાવત્ રહ્યું છે. ગત મધરાત્રે ભચાઉમાં ઝરમર વરસ્યા બાદ ભુજ, મુન્દ્રા, નખત્રાણા અને રાપરમાં ઝરમર વરસ્યો હતો.
]ભુજ અને મુન્દ્રામાં સવારે તો રાપર તેમજ નખત્રાણામાં બપોરે ઝરમર રૂપે મેઘરાજાની હાજરી રહેતાં માર્ગો ભીંજાયા હતા. મોટા ભાગના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તેની વચ્ચે મહત્તમ ઉષ્ણાતામાનનો પારો સરેરાશ 31 ડિગ્રી રહેતાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગે કચ્છમાં કેટલાક સ્થળે શનિવારે ભારે વરસાદનો વર્તારો વ્યક્ત કર્યો છે તેની સાથે અગાઉ અપાયેલું રેડ એલર્ટ હવે યલો એલર્ટમાં ફેરવાયું છે. જો કે, રવિવારે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના સાથે રેડ એલર્ટ કાયમ રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં જુલાઇની મધ્યમાં જ 100 ટકા કરતાં વધારે વરસાદ વરસી ગયો છે પરિણામે નાની અને મધ્યમ સિંચાઇના ડેમો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક તળાવો છલકાઇ ગયા છે. વગડામાં ઘાસ ઉગી નીકળતાં માલધારી આલમમાં ખુશીની લાગણી જોવા મળે છે તો કિસાનો વાવણીમાં જોતરાયા છે.
Leave a Reply