– ગુજરાતમાં ૪૦ હજાર ને દેશમાં બે લાખ લોકોને રોજગારી આપતા નોન વુવન ફેબ્રિક્સ ઉદ્યોગ
– નોન વુવન ફેબ્રિક્સ મટિરિયલ્સ પર લેવાતો ૧૮ ટકા જીએસટી નાબૂદ કરવાની માગણી થવાની સંભાવના
ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ્સના વપરાશ પર પહેલી જુલાઈ ૨૦૨૨થી પ્રતિબંધ ફરમાવી દીધો ત્યારબાદ તેના વિકલ્પે ૬૦ જીએસએમની નોન વુવન ફેબ્રિક્સની ડિમાન્ડમાં ૧૦ ટકાનો વધારો થઈ ગયો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડે તેવી હોવાથી સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તેની સામે નોન વુવન ફેબ્રિક્સની બેગ ફોટો ડિગ્રેડેબલ હોવાથી તે તડકામાં પડી રહે તો માત્ર ૧૭૫ કલાકમાં જ તેનું પાવડરમાં રૃપાંતર થઈને ધીમે ધીમે તે માટીમાં મળી જવાની સંભાવના છે. તેથી જ ૬૦ જીએસએમની નોન વુવન ફેબ્રિક્સમાંથી બનેલી બેગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.
બીજું, એકવાર વર્જિન મટિરિયલમાંથી બનેલી નોન વુવન ફેબ્રિક્સની બેગ ૧૦થી ૧૨ વાર વપરાઈ ગયા પછી તેને ફરીથી પ્લાસ્ટિકના દાણામાં રૃપાંતરિત કરીને વર્જિન પ્લાસ્ટિકના દાણા સાથે નિશ્ચિત કરેલી ટકાવારીમાં ભેળવીને તેને રિસાઈકલ કરીને નવી નોન વુવન ફેબ્રિક્સની બેગ બનાવી શકાય છે. નોન વુવન ફેબ્રિક્સમાંથી બનતી બેગ ઓછામા ઓછો કાર્બન જનરેટ કરી રહી હોવાથી તેને ઇકો ફ્રેન્ડલી પણ ગણાવામાં આવે છે. આ ઇકો ફ્રેન્ડલી બેગથી પર્યાવરણની સુરક્ષા વધતી હોવાથી તેના પરનો જીએસટી નાબૂદ કરવાની પણ માગણી કરવામાં આવે તેવી સંભાવના છે.
પ્લાસ્ટિક બેગ્સના વિકલ્પે આવી રહેલી આ બેગ્સ એકવાર લીધા પછી ૧૦થી ૧૨ વાર કે વધુ વખત ઉપોયગ કરી શકાય તેવી છે. તેથી તેની પડતર સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગની જેટલી જ થઈ જાય છે. તેમ જ રસ્તા પરથી ગટરમાં પડી જઈને ગટરના પાણીના પ્રવાહને રોકતી પણ ન હોવાનું જણાવતા નોન વુવન ફેબ્રિક્સમાંથી કોરોનાની કિટ સહિત બેગ્સ અને અન્ય વસ્તુઓ બનાવનારા એકમોના એસોસિયેશન ઇન્ડિનોનના પ્રમુખ સુરેશ પટેલનું કહેવું છે કે કાપડ જેવું જ પોત ધરાવતા નોન વુવન ફેબ્રિક્સમાંથી કોરોના કાળમાં પીપીઈ કિટ અને માસ્ક સહિતના પ્રોડક્ટ્સ બનાવતા એકમો હવે પર્યાવરણ માટે માથાનો દુઃખાવા રૃપ બની રહેલી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ બનવા જઈ રહી છે. આ એક જ બેગ દસથી પંદર વાર ઉપયોગમાં લઈ શકાતી હોવાથી તે ઓછા માઈક્રોનની પ્લાસ્ટિકની બેગ્સ કરતાં સસ્તી અને ઇકોફ્રેન્ડલી સાબિત થઈ રહી છે. ભારત સરકારના રસાયણ અને ફર્ટિલાઈઝર્સ મંત્રાલયની દેખરેખ હેઠળ કામ કરતી ધ ઇન્સ્ટિટયૂટ ઓપ પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીએ પણ ૪૦, ૫૦ અને ૬૦ જીએસએમથી વધુની બેગ ફરીથી વાપરી શકાય તેવી અને રિસાયકલ કરી શકાય તેવી હોવાનો રિપોર્ટ આપ્યો છે.
છેલ્લા વીસેક દિવસમાં જ તેને માટેની ઇન્ક્વાયરી વધી હોવાનું જોતાં તેની ડિમાન્ડમાં ૧૦ ટકા જેટલો વધારો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમા નોન વુવન ફેબ્રિક્સમાંથી બેગ્સ સહિતની આઈટેમ્સ બનાવનારા એકમોની સંખ્યા ૩૦૦૦ની અને ભારતમાં આ પ્રકારના એકમોની સંખ્યા ૧૦,૦૦૦ની છે. આ સેક્ટરમાં ૨ લાખ લોકોને સીધી રોજગારી મળી રહી છે. ગુજરાતમાં ૪૦૦૦૦થી વધુ લોકોને રોજગારી મળી રહી છે.
Leave a Reply