નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા ચેરમેન તરીકે આશિષ ચૌહાણની નિમણુંકને સેબીએ એ મંજૂરી આપી છે. સૌથી રસપ્રદે વાત એ છે કે, આશિષ ચૌહાણ હાલ એનએસઇના હરીફ એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના સીઇઓ છે જેમનો કાર્યકાળ નવેમ્બરમાં સમાપ્ત થશે.
એનએસઇ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની નિમણૂક માટે એક્સચેન્જના શેરધારકોની મંજૂરી લેવાની રહેશે. ચૌહાણની નિમણૂક 5 વર્ષના સમયગાળા માટે રહેશે. તેઓ એનએસઇના વર્તમાન સમયના વડા વિક્રમ લિમયેનું સ્થાન લેશે. લિમયેનો કાર્યકાળ શનિવારે પૂરો થયો છે. બીજા કાર્યકાળ માટે પાત્ર હોવા છતાં લિમયેએ એનએસઇમાં ફરી એક્સચેન્જના ચેરમેન બનવા ઇન્કાર કર્યો હતો.
નોંધનીય છે કે, આશિષ ચૌહાણ એનએસઇના સ્થાપકો પૈકીના એક છે. તેમની નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે એક્સચેન્જ અનેક ખામીઓ અને કૌભાંડોનો સામનો કરી રહ્યો છે અને ચોતરફથી સર્વેલન્સ હેઠળ છે. એનએસઇ કો-લોકેશન સંબંધિત કૌભાંડમાં પણ તપાસનો સામનો કરી રહ્યું છે.
એનએસઇના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ચિત્રા રામકૃષ્ણને કો-લોકેશન કેસમાં બરતરફ કર્યા બાદ ગત સપ્તાહે તેની ધરપકડ કરાઇ છે. એનએસઇ એ નવા એમડી-સીઇઓ માટે 4 માર્ચે અરજીઓ મંગાવી હતી. આશિષ ચૌહાણ 2009થી બીએસઇમાં છે. બીએસઇના આઇપીઓ અને લિસ્ટિંગ કરાવવાના આશિષ ચૌહાણનો અનુભવ એનએસઇને તેની આઇપીઓ યોજનામાં ઉપયોગી નીવડશે.
Leave a Reply