– મિલકત ખરીદનારના બંધારણીય અધિકાર પર તરાપ
– દસ્તાવેજો પરત કરવા માટે કારણો આપવાના હોવા છતાંય સબરજિસ્ટ્રારની કચેરીના અધિકારીઓ લેખિતમાં કારણ આપતા નથી
બિલ્ડિંગ યુઝ, મંજૂર થયેલા પ્લાન કે પછી ઝોનિંગ સહિતની વિગતો ન જોડનારાઓના દસ્તાવેજો ન કરવાના ગુજરાત સરકારે કરેલા નિયમને કારણે દસ્તાવેજોની નોંધણીમાં મોટો ઘટાડો આવી ગયો છે. અમદાવાદની સોલા સહિત બે ત્રણ કચેરીના બાદ કરતાં બાકીની ૧૦થી ૧૧ કચેરીમાં રોજના ૧૦થી ૧૫ દસ્તાવેજોની માંડ નોંધણી થાય છે. દસ્તાવેજોની નોંધણી માટે ૩૩ જુદા જુદાં નિયમો ૨૮મી જૂનથી લાગુ કરવામાં આવ્યા હોવાથી દસ્તાવેજોની નોંધણી પર મોટી બ્રેક લાગી ગઈ છે.
મિલકત ખરીદનારે ઓછી સ્ટેમ્પ ડયૂટી ભરી હોય કે પછી દસ્તાવેજના પેપર્સમાં કંઈક ખૂટતું હોય તો તેવા સંજોગોમાં સબરજિસ્ટ્રારની કચેરીના અધિકારી તે દસ્તાવેજની નોંધણી કરવાની ના પાડી શકે છે કે પછી દસ્તાવેજ જપ્ત પણ કરી શકે છે. પરંતુ નોંધણી ન કરવા પાછળના કારણો લેખિતમાં આપવાના હોય છે, પરંતુ અધિકારીઓ લેખિતમાં કારણો આપતા નથી. આમ અધિકારીઓ જ રજિસ્ટ્રેશન એક્ટની કલમ ૭૧(૫)ની જોગવાઈનું પાલન કરતાં નથી. જોકે ખૂટતી વિગતો સાત દિવસમાં રજૂ કરવાની મોખિક સૂચના આપે છે.
સબરજિસ્ટ્રારની કચેરી દસ્તાવેજ નોંધવાની ના પાડે અને તે માટેના કારણો ઓછા હોય તો તેવા સંજોગોમાં રજિસ્ટ્રેશન માટે આવેલો દસ્તાવેજ નાયબ કલેક્ટરની કચેરીને મોકલી દેવાની જોગવાઈ કરવામાં આવેલી છે. નાયબ કલેક્ટરની કચેરી ત્યારબાદ પક્ષકારને બોલાવીને તેને સાંભળીને તે અંગે નિર્ણય લઈ શકે છે. આમ નાયબ કલેક્ટરને દસ્તાવેજ મોકલીને પક્ષકારને પોતાના પક્ષની રજૂઆત કરવાની તક પણ આપવામાં આવતી નથી.
ગુજરાત સરકારે ૨૮મી જૂન ૨૦૨૨થી અમલમાં મૂકેલા નવા નિયમો મુજબ બિલ્ડિંગ યુઝની પરવાનગી ન હોય તો દસ્તાવેજની નોંધણી થતી નથી . તેમ જ સરકારે બાંધેલી મિલકત હોય પણ વેચાણ માટેની પરવાનગી મેળવી હોવાનો પત્ર રજૂ ન કરે તો પણ તેનો દસ્તાવેજ નોંધાતો નથી. આ જ રીતે નોંધણી ફી કે રજિસ્ટ્રેશન ફી ઓછી જમા કરાવી હોય તો પણ દસ્તાવેજોની નોંધણી અટકાવી દેવામાં આવી રહી છે.
જોકે કાયદાકીય જોગવાઈ હેઠળ અને બંધારણે આપેલા અધિકાર હેઠળ કોઈપણ વ્યક્તિના દસ્તાવેજની નોંધણી અટકાવી શકાતી નથી. હા, મિલકત ખરીદનારે જે તે મિલકતની સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફી જમા કરાવી દીધી હોય તો સબ રજિસ્ટ્રારની કચેરી તે દસ્તાવેજ સ્વીકારવાની ના પાડી શકતી નથી. મિલકત ખરીદનારને રજિસ્ટ્રેશન ફીની પહોંચ મેળવવાના કાયદેસર અધિકાર છે. આ મુદ્દે ગુજરાત સરકારે નોંધણી નિમય ૧૯૭૦ના નિયમ નંબર ૪૫ (૧)માં કરવામાં આવેલી જોગવાઈ હેટલ એક પરિપત્ર પણ ભૂતકાળમાં કરેલો છે. તેમાં ઓછી સ્ટેમ્પ ડયૂટી આપી હોય તેવા દસ્તાવેજોને નોંધવા ટોકન ન આપવાનો નિયમ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રકારના કિસ્સામં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થઈ હતી. આ પીટીશનની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે અરુણ રામજી વિ. ગુજરાત સરકારના કેસમાં ઉપરોક્ત પરિપત્ર રદ કરવાનો પણ ચૂકાદો આપ્યો હતો.
નોંધણી વિના જ પરત કરાઈ રહેલા બારમી મે ૧૯૮૨ પૂર્વેના દસ્તાવેજો
બારમી મે ૧૯૮૨ પહેલાની સોસાયટીઓની મિલકતો કે પછી ચોથી એપ્રિલ ૧૯૯૪ પછી એનટીસીની મિલકતોના સ્ટેમ્પ ડયૂટી ભરી ન હોય તેવા દસ્તાવેજાની નોંધણી કર્યા વિના પરત આપી દેવામાં આવી રહ્યા છે. પક્ષકાર વેચાણ દસ્તાવેજ નોંધાવવા જાય તે પહેલા જ મિલકતની જે કિંમત નક્કી થયેલી હોય તે કિંમત પર પક્ષકારે સ્ટેમ્પ ડયૂટી કે પછી રજિસ્ટ્રેશન ફીની રકમ એડવાન્સમાં જમા કરાવી તે તે પછી જ દસ્તાવેજની નોંધણી માટેના ટોકન આપવામાં આવી રહ્યા છે. દસ્તાવેજની નોંધણી માટેની તારીખની ફાળવણી પણ ત્યારબાદ જ કરવામાં આવે છે.
Leave a Reply