– પ્રથમ રાઉન્ડમાં રિશિને ૮૮ મતો મળ્યાં
– હું ચૂંટણી જીતવા ટેક્સ નથી ઘટાડતો, ટેક્સ ઘટાડવા ચૂંટણી જીતીશ : ટીકાકારોને રિશિ સૂનાકનો જવાબ
ભારતીય મૂળના કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા રિશિ સૂનાક બ્રિટિશ વડાપ્રધાન બનવા માટે સૌથી આગળ છે. મતદાનના બીજા રાઉન્ડમાં રિશિ સૂનાકને ૧૦૧ મતો મળ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં સર્વાધિક ૮૮ મતો મેળવ્યા હતા.
બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા માટે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ વચ્ચે સ્પર્ધા શરૃ થઈ છે. પ્રથમ રાઉન્ડના મતદાનમાં સૌથી વધુ મતો રિશિ સૂનાકને મળ્યા હતા. ૮૮ મતો સાથે રિશિ આ રેસમાં સૌથી આગળ હતા. પેની મોર્ડોટને ૬૭ મતો, લિઝ ટ્રસને ૫૦ મતો, કેમી બાદનોકને ૪૦, ટામ તુર્ગેદતને ૩૭ તેમ જ સુએલા બ્રેવરમેનને ૩૨ મતો મળ્યા હતા. આ રેસમાં ટકી રહેવા માટે ઓછામાં ઓછા ૩૦ સાંસદોનું સમર્થન મેળવવું જરૃરી હતું.
એ પછી બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું, જેમાં ૧૦૧ મતો સાથે રિશિ સૂનાક સૌથી આગળ હતા. હવે બોરિસ જ્હોન્સનના ઉત્તરાધિકારી બનવા માટે રિશિ હોટ ફેવરિટ છે. આ રાઉન્ડ બાદ પાંચ ઉમેદવારોની એક યાદી બની છે.
રિશિ સુનાકના ટીકાકારોએ તેમની ટેક્સ પૉલિસી બાબતે ટીકા શરૃ કરી હતી. એનો જવાબ આપતા રિશિએ કહ્યું હતું કે હું ચૂંટણી જીતવા ટેક્સ નથી ઘટાડતો, ટેક્સ ઘટાડવા માટે ચૂંટણી જીતીશ. તેમણે ઉમેર્યું હતું કે મોંઘવારીને કાબૂમાં લેવાની જરૃર છે. એ માટે હું કટિબદ્ધ છું. હું ટેક્સ ઘટાડવા સંસદમાં કાર્યવાહી કરીશ, પરંતુ એ માટે એક ચોક્કસ પદ્ધતિ હશે. જવાબદારીપૂર્વક અને કાળજીથી એ કામ કરવામાં આવશે. તેમની નજીકના સ્પર્ધકોએ ટેક્સ ઘટાડવાના વાયદા કર્યા છે. એ સંદર્ભમાં રિશિએ કહ્યું હતું કે હું આડેધડ ટેક્સ ઘટાડવામાં માનતો નથી. એ માટે યોજનાબદ્ધ રીતે આગળ વધવામાં આવશે.
Leave a Reply