– સૌથી વધુ મુન્દ્રામાં કુલ 29 ઇંચ વરસાદ વરસ્યો
– ગુરૂપૂનમના બ્રેક બાદ આજે માંડવીમાં ફરી વરસાદી ઝાપટું અનેક જગ્યાએ ભારે નુકસાન, રસ્તાઓ બંધ થયા, વીજપુરવઠો પણ ખોરવાયો હતો
કચ્છમાં સિઝનનો પ્રથમ વરસાદ 98 ટકાએ પહોંચી ગયો છે. અષાઢ માસમાં જ જિલ્લાની ધરાને પાણીથી ન્યાલ કરી દીધી છે. જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ મુન્દ્રામાં નોંધાયો છે. અહીં મોસમનો કુલ વરસાદ 724 મિમી એટલે કે 29 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌથી પાછળ વાગડનું રાપર રહ્યું છે અહીં 100 મિમી એટલે કે માત્ર 4 ઇંચ વરસાદ થયો છે.
વરસાદની આંકડાકીય માહિતી
કચ્છમાં સિઝનનો 98 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં મુન્દ્રામાં કુલ 724 મિમી એટલે કે 29 ઇંચ વરસાદ, અંજારમાં 348 મિમી (14 ઇંચ), ભુજમાં 532 (21.5), ગાંધીધામમાં 320 મિમી (13 ઇંચ), લખપતમાં 570 મિમી. (23 ઇંચ), માંડવીમાં 658 મિમી ( 26 ઇંચ), નખત્રાણા 560 મિમી. (22 ઇંચ), વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે નદી તળાવ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે અતિ વરસાદ પડેલા તાલુકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો તાગ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ભોગ બનનારને સહાય ચુકવવાની માગ
લખપત નારાયણ સોરવર સહિતના ધોવાઈ ગયેલા 5 જેટલા મહત્વના માર્ગો અંગે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વેની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ખેતી, ચેકડેમ અને પશુપાલન વિભાગ દ્વારા પણ ખુવારીનો આંક મેળવી ભોગ બનનારને સહાય ચુકવવાની કામગીરી શરૂ કરવામાં આવે એવી માગ ઉઠી છે.
અનેક જગ્યાએ ભારે નુકસાન
પશ્ચિમ કચ્છમાં પડેલા ભારે વરસાદ બાદ જાનમાલને પણ નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ગ્રામીણ માર્ગો સાથે 5 જેટલા મુખ્ય ધોરીમાર્ગ તૂટ્યાં છે. તો પશુપાલકોને અબોલ પશુઓમાં હાનિ સહન કરવી પડી છે. ખેડૂત વર્ગને ખારેક, કપાસ સહિતના પાકમાં નુકસાની પહોંચી છે અનેક સ્થળે વીજ થાંભલા પડી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. શહેરોના માર્ગો પણ જર્જરિત બનતા વાહનોની રફતાર પર અસર પહોંચી રહી છે. હજુ પણ અનેક ગામો સંપર્ક વિહોણી હાલતમાં છે. આ દરમિયાન ગઈકાલે ગુરુપુનમના એક દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાએ માંડવી શહેરમાં સવારે હેત વરસાવ્યું હતું.
Leave a Reply