– આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૃપે ૧૫ જુલાઇથી વિશેષ અભિયાન શરૃ કરાશે જે ૭૫ દિવસ ચાલશે
૧૮થી ૫૯ વર્ષની ઉંમર ધરાવતા લોકોને ૧૫ જુલાઇથી મફતમાં સરકારી રસીકરણ કેન્દ્રોમાં મફતમાં બુસ્ટર ડોઝ આપવામાં આવશે તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે જે ૧૫ જુલાઇથી શરૃ થશે અને ૭૫ દિવસ સુધી ચાલશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી માટેના આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૃપે આ વિશેષ અભિયાન શરૃ કરવામાં આવશે.
દેશમાં ૧૮-૫૯ વર્ષની ઉંમરના ૭૭ કરોડ લોકો પૈકી અત્યાર સુધી ફક્ત એક ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. જો કે ૬૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના ૧૬ કરોડ લોકો અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૬ ટકા લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકારના નવા નિયમ પ્રમાણે હવે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધાના છ મહિના પછી બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. અગાઉ બીજા ડોઝના ૯ મહિનાપછી બુસ્ટર ડોઝ આપવામાં આવતો હતો.
સરકારના આંકડા પ્રમાણે દેશની ૯૬ ટકા વસ્તીએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે ૮૭ ટકા વસ્તીએ બંને ડોઝ લઇ લીધા છે.
આ દરમિયાન દેશમાં કોરોનાના નવા ૧૬,૯૦૬ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૬,૬૯,૮૫૦ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૫ લોકોનાં મોત થતાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૫,૫૧૯ થઇ ગયો છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧,૩૨,૪૫૭ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૧૪૧૪નો વધારો થયો હતો.દૈનિક પોઝિટીવ રેટ ૩.૬૮ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૪.૨૬ ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કુલ ૧૯૯.૧૨ કરોડ ડોેઝ આપવામાં આવ્યા છે.
Leave a Reply