સોનાના ભાવમાં એકંદરે નરમાઇ અને આર્થિક મંદીના ભણકારા વચ્ચે રોકાણકારો તરફથી ગોલ્ડ ઇટીએફમાં નવો મૂડીપ્રવાહ સતત ચોથા મહિને યથાવત રહ્યો છે પરંતુ તે વાર્ષિક અને માસિક તુલનાએ ઇનફ્લોમાં અનુક્રમે 62.5 અને 34 ટકાનો ઘટાડો મસમોટો જોવા મળ્યો છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ જૂન મહિના દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રૂ. 135 કરોડનું ચોખ્ખુ નવુ રોકાણ આવ્યુ છે જે અગાઉના મે મહિનાના રૂ 203 કરોડની તુલનાએ 34 ટકા અને ચાલુ કેલેન્ડર વર્ષ 2022નો સૌથી ઓછો ઇનફ્લો છે. તો જૂન 2021માં ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોએ રૂ. 360 કરોડ ઠાલવ્યા હતા. નજીકના ત્રણ મહિનામાં રોકાણકારોએ ગોલ્ડ ઇટીએફમાં પ્રત્યેક મહિનામા સરેરાશ રૂ. 500 કરોડનું રોકાણ કર્યુ હતુ. આમ જૂન મહિનાને અંતે ગોલ્ડ ઇટીએફની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) નજીવી ઘટીને રૂ. 20,249 કરોડ થઇ હતી જે મે મહિનાના અંતે રૂ. 20,262 કરોડ નોંધાઇ હતી.
ગોલ્ડ ઇટીએફ કેટેગરીમાં ઇન્વેસ્ટરોનો ફોલિયો મે મહિનાના 45 લાખથી વધીને જૂન મહિનામાં 46 લાખ થયો છે. આમ ગોલ્ડ ઇટીએફના રોકાણકારોની સંખ્યા વધી છે પરંતુ ઇનફ્લો ઘટ્યો છે. ફંડ હાઉસોને ઇક્વિટી માર્કેટમાં મોટા કડાકાના પગલે ગોલ્ડ ઇટીએફમાં મોટું રોકાણ આવવાની અપેક્ષા હતી. સામાન્ય રીતે મોંઘવારી અને મંદીના સમયે સોનાને રોકાણ માટે સૌથી સુરક્ષિત સ્ત્રોત માનવામાં આવે છે.
જૂન મહિનામાં સોનાની કિંમતો નજીવી ઘટી છે જ્યારે સેન્સેક્સમાં પાંચ ટકાનું કરેક્શન નોંધાયુ છે. અલબત્તે ચાલુ કેલેન્ડર વર્ષ 2022માં સોનાની કિંમત અત્યાર સુધીમાં છ ટકા જેટલી વધી છે જ્યારે શેરબજાર 9 ટકા સુધી તૂટ્યા છે.
Leave a Reply