– મફત વીજળી સહિતના મુદ્દે મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર
– મફત આપનારા પક્ષો એરપોર્ટ કે મેડિકલ કોલેજ કેવી રીતે બનાવી શકે?
‘શોર્ટકટ્સનું રાજકારણ શોર્ટસર્કિટ તરફ લઈ જાય છે. તે દેશનો નાશ કરે છે. દેશમાં ચૂંટણી વખતે અને ત્યાર પછી અનેક પક્ષો ઘણું બધું મફત વહેંચે છે. જે પક્ષો આ રીતે મફત આપવાનાં વચનો આપે છે, તેઓ એરપોર્ટ કે હોસ્પિટલ કે હાઈવે કેવી રીતે બનાવી શકે? આવા પક્ષોના શાસનમાં મેડિકલ કોલેજ પણ નહીં બની શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષશાસિત ઝારખંડના દેવધરમાં નવા એરપોર્ટ અને એઈમ્સનું ઉદઘાટન કરતી વખતે આ વાત કરી હતી.
દેશમાં સૌથી ઓછાં વિકસિત અને ગરીબ રાજ્યો પૈકીના એક ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને સામાન્ય લોકોને અનેક સબસિડીઓ આપી છે. સોરેનને કોંગ્રેસ અને લાલુપ્રસાદ યાદવના રાજદનું સમર્થન છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની જેમ ઝારખંડમાં પણ ખેડૂતો માટે દેવામાફી સિવાય 300 યુનિટ સુધી મફત વીજળી અપાઈ રહી છે. આ ચૂંટણી વચન પણ હતું. આ અંગે આડકતરા ઉલ્લેખ કરીને પણ વડાપ્રધાન મોદીએ વિપક્ષોને આડે હાથ લીધા હતા.
તેમણે કહ્યું કે, મને એરપોર્ટની આધારશિલા મૂકવા માટે દેવધર આવવાની તક મળી અને આજે મેં તેનું ઉદઘાટન કર્યું. આ પહેલાં પરિયોજનાઓની જાહેરાતો કરાતી હતી. બે-ત્રણ સરકારો આવે અને જાય પછી આધારશિલા મુકાતી હતી. બે-ત્રણ સરકારો જાય પછી ઈંટો મુકાતી અને અનેક સરકારો પછી પરિયોજનાઓનો પ્રકાશ દેખાતો. આજે અમે એક કાર્યસંસ્કૃતિ, એક રાજકીય સંસ્કૃતિ અને એક શાસન મોડલ લઈને આવ્યા છીએ, જેમાં અમે એ દરેક યોજનાનું ઉદઘાટન કરીએ છીએ, જેની અમે આધારશિલા મૂકીએ છીએ.
બીજી તરફ, ઝારખંડમાં મફત વીજળીની અનેક લોકોએ ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર ટીકાકારો કહે છે કે આ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી કે પંજાબ જેવાં સમૃદ્ધ રાજ્ય માટે ઉપલબ્ધ છે, પરંતુ ઝારખંડ આ પ્રકારની સબસિડી સહન નહીં કરી શકે.
જોકે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી હેમંત સોરેન પર સીધો હુમલો કરવાથી બચ્યા, પરંતુ તેમના પહેલાં કેટલાક નેતાઓએ સોરેનની જાહેરમાં ટીકા કરી. આ બાબત ઝારખંડ મુક્તિ મોરચા સાથે સંબંધો જાળવી રાખવાના કેન્દ્રના પ્રયાસ તરીકે જોવાઈ રહી છે. 18 જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રોપદી મુર્મૂને પણ ઝારખંડ મુક્તિ મોરચો સમર્થન આપી શકે છે.
Leave a Reply