– મેકરણ દાદાએ જ્યાં 12 વર્ષ તપ કર્યું તે લોડાઇ ગામ
સવંત 1333 અષાઢ સુદ 7, સોમવાર ના રોજ આહીર સમાજના મોભી એવા ખોખા ડાંગરે લોડાઇ ગામનું તોરણ બાંધી અને પુરાણકાલીન ગંગેશ્વર મહાદેવ અને હનુમાનજીના મંદિરની પુજા ચાલુ કરાવી હતી. લોકવાયકા મુજબ આ લોડાઇ ગામમાં કાઠી લોકો રહેતા હતા. ત્યારે પણ ગામનું નામ લોડાઇ જ હતુ. ત્યાર બાદ સવંત 1762માં સંત મેકરણ આ ગામ પધાર્યા હતા. જેમણે 12 વર્ષ લડાઈમાં તપ કર્યુ હતુ જેનો ધુણો આજે પણ અખંડ છે. સવંત 1786માં દાદા મેકરણની સાથે લોડાઇ ગામના લીરબાઇમાતાજી, વીઘોચાડ અને કાંથડ સુથારે ધ્રંગમાં જીવતી સમાધી લીધી હતી.
સવંત 1834માં સુમાસતિ તેમના પતિ સામર પટેલના સતિ થયા છે. આવા ઐતિહાસિક લોડાઇ ગામને આજે 745 વર્ષ થયા છે. લોડાઇ ગામ આહીર સમાજનું અને આ વિસ્તારનું મુખ્ય ગામ છે. આજુબાજુના કેશવનગર, ખેંગારપર, ઉમેદપર, ધરમપુર જેવા ગામો લોડાઇમાંથી જ નિર્માણ પામેલા છે.
આશરે 4500ની વસ્તી ધરાવતા ગામમાં દરેક સમાજના લોકો વસવાટ કરે છે. ગામમાં એક થી બાર ધોરણ સુધીના શિક્ષણની વ્યવસ્થા છે. એક થી દસ ધોરણ સુધી અંગ્રેજી માધ્યમની સ્કુલ પણ છે. તેમજ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર તેમજ આધુનિક ગ્રામપંચાયત પણ છે. આ ઉપરાંત આ વિસ્તારનો મુખ્ય મથક હોવાથી પોલીસ ચોકી પણ આવેલી છે. ગ્રામીણ બેંકની પણ શાખા છે.
Leave a Reply