મોંઘવારી અને વ્યાજદરમાં વધારાને કારણે વૈશ્વિક માંગ નબળી પડી રહી છે અને તેની અસર ભારતના આયાત-નિકાસના આંકડા પર પણ પડી રહી છે. ભારતની વેપાર ખાધ જૂનમાં વધીને 25.6 અબજ ડોલરની નવી ઉંચી સપાટીએ પહોંચી ગઇ છે, જે વાર્ષિક તુલનાએ 62 ટકા વધારે છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ દેશની નિકાસ જૂનમાં 16.8 ટકા વધીને 37.9 અબજ ડોલર થઈ છે. જોકે આ જ સમયગાળા દરમિયાન ભારતની આયાતમાં પણ લગભગ 51 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 63.5 અબજ ડોલર થઈ ગયો છે. આમ, 25.6 અબજ ડોલરની વેપાર ખાધ હતી.
છેલ્લા કેટલાક મહિનાઓથી દેશની વેપાર ખાધ સતત વધી રહી છે. દેશની વેપાર ખાધ એપ્રિલમાં 20.4 અબજ ડોલર હતી, જે મે મહિનામાં વધીને 23.3 અબજ ડોલર હતી અને હવે જૂનમાં વધીને 25.6 અબજ ડોલર થઈ છે.
દેશના આયાત બિલમાં સૌથી મોટો હિસ્સો પેટ્રોલિયમનો છે. રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં તેલ મળવા છતાં યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક સ્તરે પેટ્રોલિયમના ભાવમાં થયેલા વધારાની અસર ભારતના આયાત બિલ પર પડી રહી છે.
ક્રૂડના ઉંચા ભાવને કારણે રિફાઇન્ડ પેટ્રોલિયમની આયાતની કિંમત જૂનમાં લગભગ બમણી થઈને 20.7 અબજ ડોલર થઈ, જે ગયા વર્ષે જૂનમાં 10.6 અબજ ડોલર હતી.
નોંધપાત્ર આંકડો એ છે કે કોલસા, કોક અને બ્રિકેટ્સની આયાતમાં જૂન મહિનામાં 241 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે અને તેનું મૂલ્ય લગભગ 6.4 અબજ ડોલર રહ્યું છે. ગત વર્ષે જૂનમાં કોલસો, કોક અને બ્રિકેટ્સનું આયાત બિલ 1.8 અબજ ડોલર હતું.
– જૂન ક્વાર્ટરમાં વેપાર ખાધ 70.25 અબજ ડોલર :
દેશની નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં એટલે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 22.22 ટકા વધીને 116.77 અબજ ડોલર થઈ છે. આ જ સમયગાળામાં આયાત 47.31 ટકા વધીને 187.02 અબજ ડોલર થઈ છે. આ રીતે નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં દેશની વેપાર ખાધ 70.25 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં તે 31.42 અબજ ડોલર હતી.
વેપાર ખાધ વધવા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવમાં વધારો છે, જેના કારણે એનર્જી અને મેટલ જેવી મહત્વની આયાતની કિંમતો ઉંચી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયો નબળો પડવાથી અને કોમોડિટીના ભાવમાં વધારો રહેવાથી સરકારને અપેક્ષા છે કે નજીકના ભવિષ્યમાં વેપાર ખાધ વધશે. આ સિવાય ભારતના રૂપિયાના ઘસારાને કારણે પણ નિકાસનું મૂલ્ય ઘટી રહ્યું છે.
Leave a Reply