મફત રાશન બંધ કરો દેશની આર્થિક સ્થિતિ માટે ખરાબ છે

ભારતમાં રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવેલ મફત યોજના અંગે જ ગત મહિને એક ચેતવણી જાહેર કરવામાં આવી હતી અને હવે તો કેન્દ્ર સરકારના જ એક વિભાગે મોદી સરકારને મફત રાશનની યોજના વધુ ન લંબાવવા અને અન્ય ખર્ચ પર કાબૂ મુકવા સૂચન કરાયું છે.

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે મફત ખાદ્ય રાશન યોજનાને સપ્ટેમ્બરથી આગળ ન લંબાવવા માટે અનુરોધ કર્યો છે. આ સાથે ખર્ચ વિભાગે કોઈ ટેક્સમાં મોટો કાપ અથવા અન્ય આર્થિક સહાયતા અંતે ચેતવણી આપી છે. જણાવી દઈએ કે માર્ચ 2022માં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને છ મહિના માટે સપ્ટેમ્બર સુધી લંબાવી હતી.

રૂ. 80,000 કરોડનો વધારાનો બોજો પડશે :

સરકારે નાણાકીય વર્ષ 2022-2023માં ખાદ્ય સબસિડી માટે રૂ. 2.07 લાખ કરોડનું બજેટ રાખ્યું છે, જે નાણાકીય વર્ષ 2021-22ના સુધારેલા રૂ. 2.86 લાખ કરોડ કરતાં ઓછું છે. 22 સપ્ટેમ્બર સુધી PMGKAYના વિસ્તરણ સાથે, સબસિડી બિલ વધીને લગભગ રૂ. 2.87 લાખ કરોડ થવાની ધારણા છે. આ યોજનાને વધુ છ મહિના લંબાવવાથી નાણાકીય વર્ષ 2022-23માં 80,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ શકે છે, જે ફૂડ સબસિડીને લગભગ 3.7 લાખ કરોડ રૂપિયા સુધી વધારી દેશે.

માર્કેટ નિષ્ણાતોના મતે ભવિષ્યમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારના ટેક્સ કાપ અથવા ફૂડ સબસિડીના વિસ્તરણને કારણે નાણાકીય ગણિત ખોરવાઈ શકે છે. ખાસ કરીને PMGKAYને ખાદ્ય સુરક્ષા અને નાણાકીય આધારો પર તેના વર્તમાન વિસ્તરણ પછી ચાલુ રાખવું અયોગ્ય હશે. તાજેતરના મફત રાશન યોજનાનું વિસ્તરણ, ખાતર સબસિડીમાં વધારો, રાંધણ ગેસ પર સબસિડી ફરી શરૂ કરવી, પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો અને ખાદ્ય તેલ અને વિવિધ ઇનપુટ્સ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી ગંભીર નાણાકીય નુકસાન થયું છે. ફુગાવાના દબાણને હળવું કરવા ગયા મહિને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી આ વર્ષે અંદાજે રૂ. 1 લાખ કરોડની આવકનું નુકસાન થવાની ધારણા છે.

સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપીના 6.4%ની રાજકોષીય ખાધનું બજેટ નક્કી કર્યું છે. ફિચ રેટિંગ્સ અપેક્ષા રાખે છે કે વધારે સબસિડી અને ડ્યુટી કાપના કારણે આવક ઘટતા રાજકોષીય ખાધ જીડીપીના 6.8% રહેશે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે મંગળવારે જારી કરેલી મે માટેની માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું હતું કે વૃદ્ધિલક્ષી મૂડી ખર્ચને બચાવવા તેમજ રાજકોષીય ખાધને વધતી અટકાવવા માટે મહેસૂલ ખર્ચમાં સ્થિરતા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે કારણ કે ઊંચી રાજકોષીય ખાધ ચાલુ ખાતાની ખાધમાં વધારો કરી શકે છે.

લોકડાઉન દરમિયાન PMGKAY શરૂ થઈ હતી :

PMGKAYએ મફત અનાજ વિતરણની યોજના છે, જે સરકાર દ્વારા માર્ચ 2020માં કોરોના મહામારી સમયે લાગુ કરવામાં આવેલ પ્રથમ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત લાભાર્થીઓને 5 કિલો ચોખા અથવા ઘઉં અને 1 કિલો આખા ચણા આપવામાં આવે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ પહેલાથી જ આપવામાં આવેલ સબસિડીવાળા રાશન ઉપરાંત દર મહિને 81 કરોડથી વધુ લોકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વિભાગના જણાવ્યા અનુસાર રાજકોષીય ખાધ સિવાય, દેશની ખાદ્ય સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ આ પગલું યોગ્ય નથી. પાંચ જણના પાત્ર કુટુંબને 50 કિલોથી વધુ અનાજ મળે છે –  25 કિલો રૂ. 2 અથવા 3 પ્રતિ કિલોના નજીવા ભાવે અને બાકીનું 25 કિલો મફતમાં આપવામાં આવે છે. રિપોર્ટમાં ખર્ચ વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે ન તો ફૂડ સબસિડી વધારવી જોઈએ કે ન તો ટેક્સ કાપવો જોઈએ, નહીં તો નાણાકીય ગણિત ખોરવાઈ જશે.

ખાતર સબસિડી પણ વધવાના એંધાણ :

નાણામંત્રીએ રજૂ કરેલ એક નાના રીલિફ પેકેજમાં 21 મેના રોજ ફુગાવાને રોકવા માટે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં અનુક્રમે રૂ. 8 અને રૂ. 6 પ્રતિ લિટરનો ઘટાડો કર્યો અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લગભગ 9 કરોડ લાભાર્થીઓને રૂ. 12 સિલિન્ડર સુધી પ્રતિ સિલિન્ડર રૂ. 200ની સબસિડી આપાવાની જાહેરાત કરી હતી અને સાથે-સાથે ખાદ્યતેલ પરનો ટેક્સ પણ ઘટાડવામાં આવ્યો હતો. આ જાહેરાતોને કારણે દેશના નાણા મંત્રાલયનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 1 લાખ કરોડથી વધુની આવક ઘટ થશે. રૂ.1.05 લાખ કરોડની બજેટ જોગવાઈ સામે નાણાકીય વર્ષ 2022-23માં ખાતર સબસિડી બિલ 2.15 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તે જ સમયે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો યુદ્ધની રાજકીય કટોકટી અને અન્ય ભૌગોલિક રાજકીય પરિબળોને કારણે વૈશ્વિક ભાવમાં વધારો ચાલુ રહેશે તો ખાતર સબસિડી બિલ વધી શકે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: