ભારતમાં રેગ્યુલેટરી સંસ્થાઓ અને માર્કેટ એક્સપર્ટસ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવાના પક્ષમાં હતા પરંતુ સરકારે ક્રિપ્ટોને આંશિક માન્યતા સાથે સ્વીકારીને ટેક્સ જાહેર કર્યો હતો. જોકે હવે આગામી જીએસટીની બેઠકમાં ક્રિપ્ટોકરન્સીને જીએસટી હેઠળ લાવવા અંગે કાઉન્સિલ વિચારણા કરી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર GST કાઉન્સિલ આગામી સપ્તાહે યોજાનારી બેઠકમાં ક્રિપ્ટોકરન્સી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવા અંગે વિચારણા કરી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર GST કાઉન્સિલની બેઠકમાં ક્રિપ્ટોકરન્સીને 28 ટકાના સર્વોચ્ચ ટેક્સ સ્લેબમાં રાખવા અંગે ચર્ચા શક્ય છે. જોકે આ મીટિંગમાં ક્રિપ્ટોકરન્સી પરના ટેક્સના દર અંગે નક્કર નિર્ણય તેવી કોઈ ચોક્કસ સંભાવાઓ નથી દેખાઈ રહી.
અહેવાલ અનુસાર GST કાઉન્સિલની બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો વ્યાપ વધારવા અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટને આ ટેક્સ બ્રેકેટમાં લાવવા અંગે વિચારણા કરવામાં આવશે. GST કાઉન્સિલની 47મી બેઠક ચંદીગઢમાં 28 અને 29 જૂને યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત તમામ રાજ્યોના નાણા મંત્રીઓ પણ ભાગ લેશે.
હાલ કેટલો ટેક્સ ?
નાણામંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં નાણાંકીય વર્ષ 2022-23 માટે રજૂ કરેલ બજેટમાં ક્રિપ્ટોકરન્સીમાંથી થતી કમાણી પર 30 ટકા ટેક્સ અને દરેક વ્યવહાર પર 1 ટકા TDS લાદવાની જાહેરાત કરી હતી. આવક પર 30 ટકા ટેક્સનો નિયમ 1 એપ્રિલથી લાગુ થયો છે, જ્યારે 1 ટકા TDSનો નિયમ 1 જુલાઈથી અમલી બનશે.
સરકારના આ પગલાને ક્રિપ્ટોકરન્સીની માન્યતાના તરીકે જોવામાં આવતું હતું અને એવું માનવામાં આવતું હતું કે દેશમાં ક્રિપ્ટોકરન્સીની કાયદેસરતા અંગેની પરિસ્થિતિ સાફ થઈ જશે. જોકે એવું કંઈ થયું ન હતું.
Leave a Reply