– હોસ્પિટલના બાળ વિભાગે વેન્ટિલેટર થી લોહી ચડાવવા સુધી કરી તબક્કાવાર સારવાર
અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં ૪ વર્ષના ભૂલકાંએ જંતુ નાશક દવા પી લેતા તેના શરીરમાં પ્રસરી ગયેલા વિનાશક ઝેર (ઓર્ગેનો ફોસફેટ પોઇઝનિંગ)ની મારક અસર નાબૂદ કરી પીડિયા વિભાગે વેન્ટિલેટર થી લઈને સફેદ અને સામાન્ય લાલ રક્તના બોટલ ચડાવીને તબક્કાવાર સારવારના અંતે તેને બચાવી લેવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં બાળકની સારવાર હાથ ધરનાર બાળરોગ નિષ્ણાત અને આસિસ્ટન્ટ પ્રો. ડૉ.લાવણ્ય પુસ્કરનએ કહ્યું કે, કીટનાશક દવા પી લીધી હોવાથી ભુજના અલીશા સુલ્તાન નામના બાળકને જ્યારે અત્રે લાવવામાં આવ્યું ત્યારે હૃદય ના ધબકારા ઓછાં હતા. શ્વાસોશ્વાસમાં તકલીફ હતી, તેથી તુરંત વેન્ટિલેટર ઉપર લઇ સારવાર શરૂ કરી.
ઝેરી તત્વોને ખતમ કરવા પીડિયા વિભાગના હેડ ડો રેખાબેન થડાનીના માર્ગદર્શન હેઠળ એટ્રોપીનાઈન અને પામ ઇન્જેક્શન ચાલુ કર્યા.દર અડધા કલાકે નિરીક્ષણ કરતા જણાયું કે, બાળકના પેટમાંથી ખરાબો નીકળતો હતો.દરમિયાન ૩ બોટલ સફેદ લોહી(ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા એફ એફ પી) અને સામાન્ય લાલ રક્ત ચડાવવામાં આવ્યું.
ચાર દિવસની સારવારના અંતે બાળકને વેંટી પરથી ઉતારી, સાદા માસ્ક ઉપર લઇ અને મોઢે લાગેલી નળી દૂર કરી મોઢેથી પાણી અને પ્રવાહી ખોરાક ચાલુ કરવામાં આવ્યા બાદ તેને આઇસીયુમાંથી વોર્ડમાં ખસેડી બે દિવસ પછી રજા આપવામાં આવી. આ સારવારમાં રેસી ડૉ. કરણ પટેલ જોડાયા હતા. તેમણે કહ્યું કે ઘરમાં આવી દવા બાળક જોઈ ના શકે તે રીતે સાચવીને અથવા ઊંચાઈ પર રાખવી હિતાવહ છે.
Leave a Reply