– દર્દીઓને વિવિધ સેવા માટે હવે એક જ જગ્યાએથી આ સેવા ઉપલબ્ધ બનશે
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા કચ્છીજનોને ઉપલબ્ધ જુદી જુદી સેવા અંગેની વહીવટી અને રજીસ્ટ્રેશન કાર્યવાહી માટે એક જગ્યાએથી અન્ય જગ્યાએ જવું ન પડે અને તેમના સમયનો બચાવ થાય તેમજ જલ્દી સારવાર મળી રહે એ હેતુસર હોસ્પિટલના વાજપાઈ ગેટથી અંદર આવતા ૧૪નંબર ફાર્મસી પાસે નવનિર્મિત સેન્ટ્રલાઇઝ્ડ રજીસ્ટ્રેશન કાઉન્ટર સેવાના શ્રી ગણેશ થયા છે.
ગેઇમ્સના ડાયરેક્ટર અને ટ્રસ્ટી શ્રી વી.એસ.ગઢવીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ વચ્ચે શ્રીફળ વધેરી આ સેવાનો વિધવત શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈ, ચીફ મેડિકલ સુપ્રિટેંડેંટ ડો. નરેન્દ્ર હિરાણી, અદાણી મેડિકલ કોલેજના ડિન ડો. એ.એન.ઘોષ, એસો. ડિન ડો. એન.એન.ભાદરકા પણ ઉદ્ઘાટન વિધિમાં જોડાયા હતા. વિંઝાણવાળા ભરતભાઈ શાસ્ત્રીના હસ્તે ધાર્મિક વિધિ કરવામાં આવી હતી.
જુદી જુદી સેવાઓ માટે ૧૦ કાઉન્ટરમાં નિર્માણ પામેલા આ સંકૂલમાં આયુષ્યમાન ભારત, શાળા આરોગ્ય કાર્યક્રમ, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ,વાહન અકસ્માત યોજના તેમજ અંદરના દાખલ દર્દીઓ માટે રજીસ્ટ્રેશન અને તેની આનુષંગીક સેવાઓ માટે જરૂરી તમામ કાર્યવાહી અત્રેથી કરવામાં આવશે.
આ કાર્યક્રમમા હોસ્પિટલના મેડિકલ વહીવટ,રજીસ્ટ્રેશન,ફાર્મસી, ઓપીડી, એમ.આર.ડી.,ડાયાલીસીસ, રેડિયોલોજી,લેબોરેટરી, પી.એમ.જે.વાય.વિગેરે વિભાગના કર્મચારી-અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
Leave a Reply