મે મહિનામાં ભારતમાંથી માલસામાનની કુલ નિકાસ વાર્ષિક તુલનાએ 20.5 ટકા વધીને 38.94 અબજ ડોલર થઈ છે. તો આયાત 62.83 ટકા વધીને 63.22 અબજ ડોલર નોંધાઇ છે. આ સાથે દેશની વેપાર ખાધ લગભગ ચાર ગણી એટલે કે 371 ટકા વધીને 24.29 અબજ ડોલર પહોંચી ગઇ છે, જ્યારે ગત વર્ષે મે મહિનામાં ભારતની વેપાર ખાધ 6.53 અબજ ડોલર હતી.
ભારતની વેપાર ખાધમાં મોટી વૃદ્ધિનું મુખ્ય કારણ સોનાની આયાતમાં ઝડપી વધારાની સામે નોન-ઓઇલ પ્રોડક્ટોની નિકાસમાં સતત ઘટાડો છે.
આ સાથે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ બે મહિનામાં દેશની કુલ નિકાસ 25 ટકા વધીને 78.82 અબજ ડોલર અને આયાત 45.42 ટકા વધીને 123.41 અબજ ડોલર રહી છે. જેને પગલે સમીક્ષાધીન સમયગાળામાં ભારતની કુલ વેપાર ખાધ પણ વર્ષ પૂર્વેના 21.82 અબજ ડોલરથી વધીને હાલ 44.69 અબજ ડોલર નોંધાઇ છે.
મે મહિનામાં ભારતમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટનું કુલ આયાત 102.72 ટકા વધીને 19.2 અબજ ડોલર થઇ છે. કોલસા અને કોકની આયાત પણ વર્ષ પૂર્વેના બે અબજ ડોલરની સામે વધીને મે મહિનામાં 5.5 અબજ ડોલર રહ છે. તેવી જ સોનાની આયાત પણ નોંધપાત્ર વધીને 6 અબજ ડોલરે પહોંચી ગઇ છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં માત્ર 67.7 કરોડ ડોલરના સોનાના આયાત કરાઇ હતી.
બીજી બાજુ એન્જિનિયરિંગ ગુડ્સની આયાત મે મહિનામાં 12.65 ટકા વધીને 9.7 અબજ ડોલર અને પેટ્રોલિયમ પ્રોડક્ટોની એક્સપોર્ટ 60.87 ટકા વધીને 8.54 અબજ ડોલર નોંધાઇ છે. જેમ્સ-જ્વેલરીની નિકાસ વર્ષ પૂર્વેના 2.96 અબજ ડોલરની સામે આ વખતે વધીને 3.22 અબજ ડોલર રહી છે. કેમિકલ્સની નિકાસ 17.35 ટકા વધીને 2.5 અબજ ડોલર થઇ છે. ફાર્મા પ્રોડક્ટની નિકાસ 10.28 ટકા વધીને 2 અબજ ડોલર અને ટેક્સટાઇલ સેક્ટરની એક્સપોર્ટ 27.85 ટકા વધીને 1.41 અબજ ડોલરની રહી છે. જો કે આયર્ન ઓર, કાજુ, હસ્તકલાની ચીજવસ્તુઓ, પ્લાસ્ટિક, કાર્પેટ અને મસાલાઓની નિકાસમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.
Leave a Reply