– ભુજ, અંજાર, રાપર, મુન્દ્રા, નખત્રાણા, દયાપરમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવાયું
– માગ નહીં સંતોષાય તો ચોથી જુલાઇએ કચ્છભરના કિસાનો કલેક્ટર કચેરી સામે ધરણા કરશે
– ખેતીવાડીના વીજ જોડાણોમાં મીટરને મરજીયાત કરવાની માગ સાથે કચ્છના ખેડૂતો આકરા પાણીએ
ખેતીવાડીના વીજ જોડાણોમાં મીટરને મરજીયાત કરવાની માગ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યભરના તાલુકા મથકોએ એક દિવસીય ધરણા કરવાનું એલાન અપાયું હતું જેને પગલે કચ્છમાં પણ તાલુકા મથકોએ કિસાનોએ ધરણા યોજ્યા હતા. મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રીને પાઠવાયેલા આવેદનપત્રમા ફરજીયાત વીજ મીટરનો વિરોધ કરાયો હતો. ધરતીપુત્રોની માગણી નહીં સંતોષાય તો ચોથી જુલાઇએ કલેક્ટર કચેરી સામે કચ્છભરના કિસાનો ધરણા યોજશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી.
ભુજમાં ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયેલા તાલુકાના ખેડૂતોને સંબોધતાં ભારતીય કિસાન સંઘ કચ્છના જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ કહ્યું હતું કે, વર્ષ 2002થી મીટર પ્રથા અમલી બની છે એ પહેલાં માત્ર ટેરિફ મુજબ બિલ આપવામાં આવતા હતા. કચ્છમાં ભૂતળ ખૂબ જ ઊંડા હોઇ વારંવાર મોટરની સાથે મીટર પણ બળી જાય છે. મીટરમાં પણ 60 પૈસા અને 80 પૈસા પ્રતિ યુનિટ એમ અલગ અલગ રીતે દર લાગે છે.
મીટર પ્રથા કોઇ રીતે ખેડૂતને પોષાય તેમ ન હોવાથી મરજીયાત કરવી જોઇએ તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, મીટરને મરજીયાત નહીં કરાય તો પ્રદેશના આયોજન મુજબ ચોથી જુલાઇએ કલેક્ટર કચેરી પાસે કચ્છભરના હજારો કિસાનો એક દિવસીય ધરણા કરશે. જિલ્લા કોષાધ્યક્ષ હરજીભાઇ વોરા, ભુજ તાલુકા પ્રમુખ કાનજી ગાગલ, મંત્રી નારાણ વરસાણી, ઉપપ્રમુખ મોહન વેલાણી અને નરસી માકાણી, રમણભાઇ માકાણી, રવજી ચાવડાના નેતૃત્વમાં મામલતદારને આવેદન અપાયું હતું.
અંજારમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શામજી મ્યાત્રા, જિલ્લા મંત્રી ભીમજી કેરાસિયા, તાલુકા પ્રમુખ અરજણ છાંગા, મંત્રી રાધુભાઇ, કરમણભાઇ ગાગલે ધરણામાં સંબોધન કર્યું હતું. રાપરમાં તાલુકા પ્રમુખ કરસન વાલા આહિર અને મંત્રી કુંભાભાઇ કે. ચાવડાની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં તાલુકાના ધરતીપુત્રો હાજર રહ્યા હતા.
મુન્દ્રામાં મામલતદાર ચિરાગ નિમાવત ને પાઠવેલા આવેદનમાં વર્તમાન સમયમાં કિસાનોને મીટર અને હોર્સપાવર બંનેના વીજદરમાં ખાસ્સો તફાવત હોવાથી કિસાનોને મોટું નુકસાન જતું હોવાની લાગણી દર્શાવી ભાવોમાં સમાનતા લાવવાની પ્રબળ માંગ કરાઇ હતી. તાલુકા ભારતીય કિસાન સંઘના નેજા તળે જિલ્લા પ્રતિનિધિ લખુભાઈ આહીર, તાલુકા પ્રમુખ પ્રેમજી પટેલ, રામજીસેડા, કરસન સાખરા તથા બહોળી સંખ્યામાં તાલુકાના ધરતીપુત્રો જોડાયા હતા.
નખત્રાણા ખાતે બહોળી સંખ્યામાં એકઠા થયેલા ધરતી પુત્રોએ તાલુકા અધ્યક્ષ પ્રાણલાલ રામજીયાણી, મંત્રી જગદીશ પટેલની આગેવાની તળે મામલતદારને આપેલા આવેદનમાં ખેતીવાડીમાં વીજ મીટર દૂર કરવાની માગ કરાઇ હતી. લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં ડાયાભાઇ પટેલ, ભવાનભાઇ લિંબાણી, મણિલાલ પટેલ, કિશોર વાગડિયા, ભવાનભાઇ પટેલ સહિતના અગ્રણીઓની આગેવાની તળે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.
Leave a Reply