– ૧૪મી જૂન ‘વિશ્વ રક્તદાતા દિવસ’
– જરૂરિયાત સંતોષવા જીલ્લામાં રક્તદાન કેમ્પનું કરાતું આયોજન
– રક્તદાન એ એકતાનું પ્રતિક: WHO એ આપી થીમ
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયા, ડાયાલીસીસ અને ઈમરજન્સી તથા અન્ય નાના-મોટા ઓપરેશન માટે પ્રતિવર્ષ સરેરાશ ૧૨,૦૦૦ બેગ્સની જરૂરિયાત ઊભી થાય છે. અને આ જરૂરિયાત સંતોષવા હોસ્પિટલની બ્લડબેન્ક અને કચ્છમાં જુદા જુદા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
હોસ્પિટલની બ્લડબેંકના હેડ ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયે ૧૪મી જૂન ‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે જણાવ્યુ હતું કે, કચ્છ જીલ્લામાં રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. એટલે હોસ્પિટલની જરૂરી માંગ પૂરી કરી શકાય છે. પરંતુ, તહેવારના અને ગરમીના દિવસોમાં રક્તની અછત ઊભી થાય છે ત્યારે જુદી જુદી સંસ્થાઓ, કોર્પોરેટ ગ્રૂપ વિગેરેનો સહારો લઈ માંગ પૂરી કરવામાં આવે છે. રક્ત માટે સૌથી વધુ માંગ થેલેસેમિયાના દર્દીઓની હોય છે. જે દર મહિને ૩૦૦ બેગ્સ જેટલી થાય છે.
હોસ્પિટલની બ્લડબેંક અંગે તેમણે કહ્યું કે, અહી વૈજ્ઞાનિક પધ્ધતિથી જુદા જુદા રક્ત ઘટકો જેમ કે, આર.સી.બી., પ્લાઝમા અને પ્લેટલેટ્સને વિભાજિત કરવાની કંપોનેંટ સુવિધાઓ છે. જેથી આવશ્યક દર્દીને જરૂરી ઘટકનું બ્લડ આપી શકાય. આ ઉપરાંત આ બ્લડબેન્ક જિલ્લાની મધર બ્લડબેન્ક હોવાથી કચ્છના તાલુકા મથકોના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તૈયાર કરવામાં આવેલા સ્ટોરેજ સેન્ટરમાં જરૂરી રક્ત પૂરું પાડવામાં આવે છે.
ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયે રક્તદાન અંગે કહ્યું કે, રક્તદાનથી લોહી ઘટે છે. એ ખોટી વાત છે પરંતુ, લોહી નવું બને છે. તેમણે વધુમાં કહ્યું કે, રક્તદાતા પાસેથી એક યુનિટ રક્ત લેવામાં આવે છે. એક રક્તદાતા ત્રણ વ્યક્તિઓનું જીવન બચાવી શકે છે. રક્તદાન પ્રવૃતિ અત્યંત સરળ હોય છે કોઈપણ ૧૮થી ૬૦ વર્ષની ઉમરની વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રક્તદાતાનું વજન, ધબકારા,બી.પી. નોર્મલ હોય તો જ બ્લડ ડોનેશન ટીમ રક્ત લે છે.
સમગ્ર વિશ્વમાં ૧૪મી જૂનના રોજ મહાન વૈજ્ઞાનિક અને નોબલ પારિતોષિક વિજેતા કાર્લ લેંક્સટેનરના જન્મદિવસ નિમિત્તે રક્તદાતાઓમા જાગૃતિ લાવવા આ દિવસ ઉજવાય છે. ડબલ્યુ.એચ.ઑ. અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડક્રેશન્ટ સોસાયટીઝ દ્વારા વર્ષ ૨૦૨૨ની રક્તદાન પ્રવૃતિ માટે રક્તદાનને એકતાનું પ્રતિક ગણાવી આ મહાન કાર્યમાં જોડાઈ લોકોની જિંદગી બચાવવાનું સૂત્ર(થીમ) આપ્યું છે.
Leave a Reply