-છેલ્લા ૭ દિવસમાં એક્ટિવ કેસમાં ૧૩૦%નો વધારો
-રાહતની વાત : ૭૭૮ એક્ટિવ કેસમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નહીં, છેલ્લા ૩૭ દિવસમાં માત્ર ૧ મૃત્યુ
ગુજરાતમાં કોરોનાની ગતિમાં સતત વધારો થઇ રહ્યો છે અને સળંગ પાંચમાં દિવસે ૧૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૦ કેસ નોંધાયા છે. આ સાથે જ જૂન મહિનાના ૧૨ દિવસમાં જ કુલ કેસનો આંક ૧૦૫૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં હાલ ૭૭૮ એક્ટિવ કેસ છે. પરંતુ રાહતની વાત એ છે કે એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૭૯-ગ્રામ્યમાંથી ૨ સાથે સૌથી વધુ ૮૧, વડોદરા શહેરમાંથી ૨૧, સુરત શહેરમાંથી ૧૧-ગ્રામ્યમાંથી ૨ સાથે ૧૩, ગાંધીનગર ગ્રામ્યમાંથી ૫-શહેરમાંથી ૧ સાથે ૬, મહેસાણામાંથી ૪, રાજકોટ શહેર-કચ્છ-સાબરકાંઠામાંથી ૩, ભાવનગર શહેર-ગીર સોમનાથમાંથી ૨, ખેડા-પાટણમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા હતા. આમ, રાજ્યમાં નોંધાયેલા કુલ કેસમાંથી ૧૦૨ ટકા માત્ર અમદાવાદ-વડોદરામાંથી જ છે. અમદાવાદ શહેરમાં ૧૨ દિવસમાં જ કુલ ૫૮૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.
રાજ્યમાં હાલ કુલ ૭૭૮ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. ૫ જૂનના એટલે કે બરાબર એક સપ્તાહ અગાઉ રાજ્યમાં ૩૪૦ એક્ટિવ કેસ હતા. આમ, રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં એક્ટિવ કેસના પ્રમાણમાં ૧૩૦ ટકા જેટલો વધારો થયો છે. જેના ઉપરથી જ કોરોનાની ગતિનો અંદાજ મેળવી શકાય છે. અમદાવાદમાં સૌથી વધુ ૫૫૩, વડોદરામાંથી ૧૩૮, સુરતમાંથી ૭૯ સાથે સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧૨.૧૪ લાખ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૯.૦૪ ટકા છે.
કયા જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસ?
જિલ્લો નવા કેસ એક્ટિવ કેસ
અમદાવાદ ૮૧ ૫૫૩
વડોદરા ૨૧ ૧૩૮
સુરત ૧૩ ૭૯
ગાંધીનગર ૦૬ ૩૭
રાજકોટ ૦૩ ૩૩
Leave a Reply